(Source: ECI/ABP News/ABP Majha)
India Maldives Issue: ચૂંટણી જીતવા માટે મુઇજ્જુએ ભારતનો કર્યો હતો દુષ્પ્રચાર, રિપોર્ટમાં થયો ખુલાસો
ગયા વર્ષે માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે મોહમ્મદ મુઈઝુએ ભારત વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ સાથે ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો.
India Maldives Controversy: ગયા વર્ષે માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (PPM) અને પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) ના શાસક ગઠબંધનએ ભારત વિરોધી ભાવનાઓ ભડકાવવાનું કામ કર્યું હતું. યુરોપિયન યુનિયન (EU)ના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
યુરોપિયન યુનિયને એક રિપોર્ટમાં કહ્યું કે માલદીવના વર્તમાન શાસક ગઠબંધને ચૂંટણી જીતવા માટે ભારત વિરોધી ભાવનાઓનો ઉપયોગ કર્યો. યુરોપિયન ઇલેક્શન ઓબ્ઝર્વેશન મિશન (EU EOM) એ મંગળવારે ગયા વર્ષે 9 અને 30 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બે તબક્કાની ચૂંટણીઓ અંગેનો અંતિમ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. માલદીવના કેટલાક રાજકારણીઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
ભારત વિરુદ્ધ ઉશ્કેરણી કરવામાં આવી
રિપોર્ટ અનુસાર, સત્તાધારી ગઠબંધને ચૂંટણી જીતવા માટે લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. દેશમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવ્યો. દેશની અંદર ભારતીય લશ્કરી જવાનોની હાજરી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારત વિરુદ્ધ ઓનલાઈન પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના કારણે મોહમ્મદ મુઈઝુએ 54 ટકા મતોથી ચૂંટણી જીતી હતી.
નકલી લેટર થયો હતો વાયરલ
એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન માલદીવના સોશિયલ મીડિયા પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના નામે એક નકલી પત્ર ફરતો થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નવી દિલ્હીએ માલદીવમાં સંપૂર્ણ સાર્વભૌમત્વ સાથે 15 હેક્ટરના બે પ્લોટ ખરીદ્યા છે. બદલામાં, ભારત માલદીવનું દેવું માફ કરવા તૈયાર હતું, એવો નકલી લેટરમાં દાવો કરવામાં આવ્યો હતો. જો કે, ભારત સરકારે તરત જ સ્પષ્ટતા કરતું નિવેદન જારી કરીને પત્રને નકલી ગણાવ્યો હતો. આ પત્ર ભારત વિરુદ્ધ શાસક ગઠબંધન દ્વારા શરૂ કરવામાં આવેલા ખોટા માહિતી અભિયાનના કેટલાક ઉદાહરણોમાંનું એક હતું.