Russia Ukraine war: ‘પરમાણુ હુમલાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે રશિયા’, રાષ્ટ્રપતિ પુતિને આપી ચેતવણી
રાષ્ટ્રપતિ પુતિને આજે પરમાણુ અવરોધ અંગે ચર્ચા કરવા માટે મોસ્કોની ટોચની સુરક્ષા પરિષદ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી
Russia Ukraine war: રશિયા પરમાણુ હુમલાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે તેઓ હવાઈ હુમલાનો બદલો લેવા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં પીછે હટ કરશે નહીં. બ્રિટન અને અમેરિકા દ્વારા યુક્રેનને રશિયા વિરુદ્ધ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાને લઈને મોસ્કોમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે રશિયાની ચેતવણી આવી છે.
Russian President Vladimir Putin announced plans to broaden Russia's rules on the use of its nuclear weaponry, allowing it to unleash a nuclear response in the event of a major air attack, reports AFP News Agency.
— ANI (@ANI) September 25, 2024
રાષ્ટ્રપતિ પુતિને આજે પરમાણુ અવરોધ અંગે ચર્ચા કરવા માટે મોસ્કોની ટોચની સુરક્ષા પરિષદ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે રશિયા હવાઈ હુમલાનો બદલો લેવા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં પીછે હટ કરશે નહીં.
પુતિને કહ્યું કે પરમાણુ હથિયારોના ઉપયોગ માટે ફેરફારની શરતો પણ સ્પષ્ટ રીતે નક્કી છે. પુતિનના મતે એડજસ્ટમેન્ટ જરૂરી હતું કારણ કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. રોઇટર્સ અનુસાર, પુતિને કહ્યું કે રશિયાએ પરંપરાગત શસ્ત્રો ઉપરાંત પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો અધિકાર સુરક્ષિત રાખ્યો છે જ્યારે તે અથવા તેમનો સાથી દેશ બેલારુસ ટાર્ગેટ પર હોય.
રોઇટર્સના અહેવાલ અનુસાર, બુધવારે રશિયાની સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે , પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી પરમાણુ શસ્ત્રો ન ધરાવતા દેશ દ્વારા રશિયા પરના હુમલાને બંને દેશો દ્વારા સંયુક્ત હુમલો માનવામાં આવશે અને જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
ગયા અઠવાડિયે બ્રિટને કથિત રીતે રશિયા પર બોમ્બમારો કરવા માટે પોતાની 'સ્ટોર્મ શેડો' ક્રુઝ મિસાઇલના ઉપયોગને મંજૂરી આપી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને મળવા વોશિંગ્ટન ડીસી ગયા હતા. બંને નેતાઓએ રશિયાની ધરતી પર યુક્રેન દ્વારા હથિયારોના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.
રશિયન ગુપ્તચરોના અહેવાલો બાદ રાષ્ટ્રપતિ પુતિને આ મહિને કહ્યું હતું કે જો પશ્ચિમી દેશો યુક્રેનને ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તો તેઓ રશિયા સાથે સીધી લડાઈ કરશે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મોસ્કોને યોગ્ય નિર્ણય લેવાની ફરજ પડશે.
રશિયાનો પરમાણુ સિદ્ધાંત અને અમેરિકા સાથેની સંધિ
રશિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ છે. રશિયા અને અમેરિકા પાસે વિશ્વના 88 ટકા પરમાણુ હથિયારો છે. રશિયાના વર્તમાન પરમાણુ સિદ્ધાંતની સ્થાપના ચાર વર્ષ પહેલા વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરતા પહેલા કરી હતી. વર્તમાન સિદ્ધાંત મુજબ, રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ એવી સ્થિતિમાં કરી શકે છે કે તેના પર પરમાણુ અથવા પરંપરાગત હુમલો થાય છે જે રાજ્યના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.
યુએસ અને રશિયા વચ્ચે પરમાણુ સંધિ છે જેને યુએસ-રશિયા ન્યૂ સ્ટાર્ટ સંધિ કહેવાય છે. જે 5 ફેબ્રુઆરી, 2011થી અમલમાં આવી હતી. સંધિ હેઠળ યુએસ અને રશિયન ફેડરેશન પાસે વ્યૂહાત્મક આક્રમક શસ્ત્રો પર સંધિની કેન્દ્રીય મર્યાદાઓને પહોંચી વળવા માટે 5 ફેબ્રુઆરી, 2018 સુધી સાત વર્ષનો સમય હતો. અને જ્યાં સુધી સંધિ અમલમાં રહેશે ત્યાં સુધી તેઓ તે સીમાઓ જાળવી રાખવા બાધ્ય છે.