મુંબઈ હુમલા બાદ આતંકી રાણાની ગુપ્ત ચેટ લીક, હેડલીને કહ્યું હતું – ભારત સાથે તો આવું જ થવું.....
અમેરિકાએ પ્રત્યાર્પણ બાદ કર્યો ખુલાસો, રાણાએ આતંકવાદીઓના કર્યા હતા વખાણ.

Rana Headley 26/11: મુંબઈમાં ૨૦૦૮માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાએ તાજેતરમાં જ ભારતને પ્રત્યાર્પણ કર્યો છે. હવે આ પ્રત્યાર્પણ બાદ અમેરિકાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમેરિકાના નિવેદન અનુસાર, હુમલા બાદ તહવ્વુર રાણાએ ગુપ્ત ચેટમાં આતંકવાદીઓના વખાણ કર્યા હતા અને ભારતીયોને આ હુમલાના હકદાર ગણાવ્યા હતા.
અમેરિકાએ જણાવ્યું છે કે મુંબઈ હુમલા પૂર્ણ થયા બાદ રાણાએ કથિત રીતે ડેવિડ હેડલીને કહ્યું હતું કે ભારતીયો આ હુમલાને લાયક હતા. એટલું જ નહીં, રાણાએ હેડલી સાથેની વાતચીતમાં હુમલા દરમિયાન માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબાના નવ આતંકવાદીઓની પણ પ્રશંસા કરી હતી. તેણે આ આતંકવાદીઓને નિશાન-એ-હૈદર આપવાની પણ વાત કરી હતી. નિશાન-એ-હૈદર પાકિસ્તાનનો યુદ્ધમાં બહાદુરી માટેનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જે શહીદ સૈનિકો માટે આરક્ષિત હોય છે.
હાલમાં આરોપી તહવ્વુર રાણા ભારતીય તપાસ એજન્સી (NIA)ની કસ્ટડીમાં છે. તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને NIA તેની ૧૮ દિવસ સુધી પૂછપરછ કરશે. તહવ્વુર રાણાને ભારત લાવવામાં અમેરિકન અધિકારીઓ અને NIAએ મહત્વની ભૂમિકા ભજવી છે.
અમેરિકાએ વધુમાં જણાવ્યું હતું કે આ હુમલાઓએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું અને યુએસએ લાંબા સમયથી જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવાના ભારતના પ્રયાસોને સમર્થન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં તેની ભૂમિકા બદલ ન્યાયનો સામનો કરવા માટે અમેરિકાએ ૬૪ વર્ષીય રાણાને ભારત પ્રત્યાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા આ હુમલાઓ માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવાના ભારતના પ્રયાસોમાં હંમેશા સાથે રહેશે.
રાણાને ગુરુવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર આગમન બાદ તેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને પટિયાલા હાઉસ સ્થિત NIAની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાણાને સીજીઓ કોમ્પ્લેક્સમાં એજન્સીના મુખ્યાલયની અંદર અત્યંત સુરક્ષિત સેલમાં રાખવામાં આવ્યો છે.
The US Department of Justice issues a statement after 26/11 terror attacks accused Tahawwur Rana was extradited to India from the US.
— ANI (@ANI) April 11, 2025
It reads, "The United States on Wednesday extradited convicted terrorist Tahawwur Hussain Rana, a Canadian citizen and native of Pakistan, to… pic.twitter.com/MSJcwzj2tI
તહવ્વુર રાણાનો કેસ પીયૂષ સચદેવા લડી રહ્યા છે. દિલ્હી લીગલ સેલે તેને કેસ લડવા માટે વકીલ ઉપલબ્ધ કરાવ્યો છે. પટિયાલા હાઈકોર્ટે NIAને પૂછપરછ માટે ૧૮ દિવસનો સમય આપ્યો છે. રાણાને ફાંસીથી બચાવવા માટે તેના વકીલ તમામ પ્રયાસો કરશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૮ના મુંબઈ હુમલા બાદ તહવ્વુર રાણાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૧માં તેને ડેનમાર્કના એક આતંકવાદી કેસમાં લશ્કર-એ-તૈયબાને સમર્થન આપવા બદલ ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે, અમેરિકી કોર્ટમાં તેને મુંબઈ હુમલાના આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે તેના પ્રત્યાર્પણની માંગણી ચાલુ રાખી હતી, જે હવે સફળ થઈ છે.




















