War: રશિયાએ જમીન અને હવા બાદ હવે સમુદ્રને કર્યું ટાર્ગેટ, ડુબાડી દીધુ યૂક્રેન નેવીનું મોટુ જહાજ
Russia And Ukraine War: રશિયન મીડિયા TASS અનુસાર, આ પહેલી વાર હતું જ્યારે કોઈ નૌકાદળના જહાજને દરિયાઈ ડ્રોન દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું

Russia And Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જમીન પછી હવે રશિયાએ સમુદ્રને નિશાન બનાવ્યું છે. તેણે ગુરુવારે (28 ઓગસ્ટ) યુક્રેનિયન નૌકાદળના જહાજ પર હુમલો કર્યો. આ નૌકાદળના જાસૂસી જહાજ ડૂબી ગયાના અહેવાલ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ જહાજ લગુના-ક્લાસ મધ્યમ કદનું જહાજ હતું, જેમાં રેડિયો, ઇલેક્ટ્રોનિક, રડાર અને ઓપ્ટિકલ મશીનો હતા. તે જાસૂસી મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ હુમલો ડેન્યુબ નદી ડેલ્ટા ક્ષેત્રમાં થયો હતો, જેનો એક ભાગ યુક્રેનના ઓડેસા ક્ષેત્રમાં સ્થિત છે. રશિયન મીડિયા આરટીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
યુક્રેનિયન અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે જહાજ પર હુમલો થયો હતો, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું. ઘણા ખલાસીઓ ઘાયલ થયા હતા. યુક્રેનિયન પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હુમલા પછીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. મોટાભાગના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે, પરંતુ ઘણા લોકો ગુમ છે.
સિમ્ફેરોપોલની વિશેષતાઓ
સિમ્ફેરોપોલ વર્ષ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને વર્ષ 2021 માં યુક્રેનિયન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેની વિશેષતા એ છે કે તે 2014 પછી કિવ દ્વારા લોન્ચ કરાયેલું સૌથી મોટું જહાજ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે જાસૂસી અને દેખરેખ કામગીરી માટે થાય છે. તે અત્યાધુનિક સેન્સર અને રડારથી સજ્જ છે. તે જ સમયે, રશિયન ટેલિગ્રામ ચેનલ વોર્ગોન્ઝોએ તેને યુક્રેનની નૌકાદળ ક્ષમતા માટે મોટો ફટકો ગણાવ્યો.
દરિયાઈ ડ્રોનનો પ્રથમ સફળ ઉપયોગ
રશિયન મીડિયા TASS અનુસાર, આ પહેલી વાર હતું જ્યારે કોઈ નૌકાદળના જહાજને દરિયાઈ ડ્રોન દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઘટના દર્શાવે છે કે આધુનિક યુદ્ધમાં માનવરહિત નૌકાદળ પ્રણાલીઓ (નેવલ ડ્રોન) કેટલી અસરકારક સાબિત થઈ રહી છે.
રશિયા-યૂક્રેન સંઘર્ષમાં ડ્રોન યુદ્ધની વધતી અસર
તાજેતરના મહિનાઓમાં, રશિયાએ નૌકાદળના ડ્રોન અને અન્ય માનવરહિત પ્રણાલીઓના ઉત્પાદનને વેગ આપ્યો છે. ડ્રોન હવે આ યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. રશિયાએ દાવો કર્યો હતો કે તેણે કિવમાં એક મુખ્ય ડ્રોન ફેક્ટરી પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ સ્થળ તુર્કીના બાયરાક્તાર ડ્રોન બનાવવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે યુદ્ધમાં હવે હવાઈ અને નૌકાદળના ડ્રોનનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે.





















