Russia-Ukraine Drone Attack 2025: રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, બદલો લેવા ૪૭૯ ડ્રોન અને ૨૦ મિસાઈલો છોડી વિનાશ વેર્યો!
યુક્રેનની એરબસ પર થયેલા હુમલાનો બદલો? મધ્ય અને પશ્ચિમી વિસ્તારો નિશાન, યુક્રેનનો મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવવાનો દાવો!

Russia Ukraine drone attack 2025: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગત રાત યુક્રેન માટે અત્યંત ભયાનક રહી હતી. રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ૪૭૯ ડ્રોન અને ૨૦ વિવિધ પ્રકારની મિસાઈલો નો ઉપયોગ કરવામાં આવ્યો. યુક્રેનની વાયુસેનાએ સોમવારે જણાવ્યું હતું કે, આ હુમલામાં ખાસ કરીને દેશના મધ્ય અને પશ્ચિમી પ્રદેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા યુક્રેને રશિયાની એરબસને નિશાન બનાવી હતી, જેના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
યુક્રેનનો બચાવ અને દાવો
યુક્રેનિયન વાયુસેનાના નિવેદન મુજબ, હુમલા દરમિયાન તેમની વાયુ સંરક્ષણ પ્રણાલીએ ૨૭૭ ડ્રોન અને ૧૯ મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. યુક્રેનના દાવા મુજબ, ફક્ત ૧૦ ડ્રોન અથવા મિસાઈલો જ તેમના લક્ષ્યો સુધી પહોંચી શક્યા હતા, અને આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જોકે, યુક્રેનના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
રશિયાના હવાઈ હુમલાની પેટર્ન અને નુકસાન
રશિયાના હવાઈ હુમલા સામાન્ય રીતે મોડી સાંજે શરૂ થાય છે અને સવારે સમાપ્ત થાય છે, કારણ કે અંધારામાં ડ્રોનને ઓળખવું મુશ્કેલ બને છે. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા શાહિદ ડ્રોનથી યુક્રેનના નાગરિક વિસ્તારો પર સતત હુમલો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં ૧૨,૦૦૦ થી વધુ યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે. જોકે, રશિયા હંમેશા દાવો કરે છે કે તે ફક્ત લશ્કરી ઠેકાણાઓને જ નિશાન બનાવે છે.
યુક્રેનની મુશ્કેલીઓ અને રશિયાનો વળતો દાવો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ મોરચા પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જોકે, તેમણે રશિયા દ્વારા થયેલા હુમલાથી થતાં નુકસાન અંગે વધુ માહિતી આપી ન હતી. યુક્રેનને તેના પશ્ચિમી સહયોગીઓ, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમની તાતી જરૂરિયાત છે. પરંતુ, અમેરિકાની નીતિને લઈને અનિશ્ચિતતાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
આ દરમિયાન, રશિયાએ પણ દાવો કર્યો હતો કે તેમણે તેમના પ્રદેશના સાત ભાગમાં ૪૯ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના વોરોનેઝ વિસ્તારમાં ૨૫ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું અને ત્યાં આગ લાગી ગઈ હતી. ઉપરાંત, મોસ્કોથી ૬૦૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત રશિયન પ્રદેશ ચુવાશિયામાં એક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્લાન્ટ પર બે યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.





















