Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં 7 હોસ્પિટલ કરી તબાહ, 104ને પહોંચાડ્યું નુકસાન
Russia Ukraine War: કિવ ઇન્ડિપેન્ડન્ટે યુક્રેનના આરોગ્ય પ્રધાન વિક્ટર લિશ્કોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રશિયન સૈન્યએ 7 હોસ્પિટલોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે, 104 ને નુકસાન પહોંચાડ્યું છે.
Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ છે. રશિયા હુમલા વધારી રહ્યું છે. હવે માહિતી મળી છે કે અત્યાર સુધીમાં રશિયા યુક્રેનની 7 હોસ્પિટલોને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂક્યું છે. કિવ ઇન્ડિપેન્ડન્ટે યુક્રેનના આરોગ્ય પ્રધાન વિક્ટર લિશ્કોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રશિયન સૈન્યએ 7 હોસ્પિટલોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે, વઅને 104 હોસ્પિટલોને નુકસાન પહોંચાડ્યું છે. મોસ્કોના સૈનિકોએ 6 તબીબી કર્મચારીઓની પણ હત્યા કરી હતી જ્યારે યુદ્ધની શરૂઆતથી 12 અન્ય તબીબી કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રશિયાએ યુક્રેનના લશ્કરી તાલીમ મથક પર હવાઈ હુમલો
રશિયાએ નાટો સભ્ય પોલેન્ડ સાથેની યુક્રેનની પશ્ચિમી સરહદ પર લશ્કરી તાલીમ મથક પર મિસાઇલ છોડી હતી. જેમાં 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા. યુક્રેનના અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. નાટો સભ્ય પોલેન્ડની સરહદથી 25 કિલોમીટરથી ઓછા અંતરે આવેલા આ વિશાળ સૈન્ય પ્રશિક્ષણ વિસ્તાર પર 30 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. તેનો ઉપયોગ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે.
ટ્રેનર્સ યુએસ અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોના છે. યુક્રેનને પશ્ચિમી લશ્કરી સહાય માટે પોલેન્ડ પરિવહન માર્ગ છે. વિદેશી હથિયારોના કન્સાઈનમેન્ટને નિશાન બનાવવાની રશિયાની ધમકી બાદ આ હુમલો થયો છે. લીવવના ગવર્નર મેક્સિમ કોઝિટસ્કીએ જણાવ્યું કે રવિવારે છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલો હવાઈ સંરક્ષણ પ્રણાલી કામ કરતી હોવાથી તેને તોડી પાડવામાં આવી હતી. હુમલામાં 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા.
યુક્રેનમાં અત્યાર સુધીમાં 596 નાગરિકોના મોત થયા છે
યુએન માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું છે કે યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 596 નાગરિકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 1,067 ઘાયલ થયા છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલયે રવિવારે જણાવ્યું કે 43 લોકો માર્યા ગયા અને 57 બાળકો ઘાયલ થયા. ઓફિસે જણાવ્યું હતું કે મોટા ભાગના નાગરિકોની જાનહાનિ ભારે તોપમારો અને મિસાઈલ હુમલાને કારણે થઈ હતી.
બંને દેશો ફરી કરશે વાતચીત
બંને દેશો વચ્ચે વાતચીત પણ થઈ છે પરંતુ તેમાંથી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. દરમિયાન હવે બંને દેશો વધુ એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે. આજે ફરી વાતચીત થવાની છે. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થશે. રશિયા-યુક્રેન વાટાઘાટો સોમવારે સ્થાનિક સમય પ્રમાણે 10:30 વાગ્યે વીડિયો લિંક દ્વારા શરૂ થશે. સ્પુતનિકે યુક્રેનિયન પ્રતિનિધિમંડળને ટાંકીને આ જાણકારી આપી છે.