Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં બે પૂર્વ અમેરિકન સૈનિક પકડ્યા, તો અમેરિકાએ કર્યો આ દાવો...
બે પૂર્વ અમેરિકી સૈનિકો રશિયાના સૈનિકો પર ગોળીબાર કરવામાં પણ સંડોવાયેલા છે. આ મામલે તપાસ ચાલી રહી છેઃ રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્ર પેસકોવે.
Russia Ukraine War: બે પૂર્વ અમેરિકી સૈનિકોને રશિયાએ યુક્રેનના યુદ્ધ વચ્ચે પકડ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દિમિત્ર પેસકોવે (Dmitry Peskov) NBC ન્યુઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે આ લોકો (પૂર્વ અમેરિકી સૈનિકો) રશિયાના સૈનિકોના જીવને ખતરામાં મુકી રહ્યા હતા. આ કારણથી તેમને આ ગુના હેઠળ જવાબદાર ઠેરવવા જોઈએ. પ્રવક્તા દિમિત્ર પેસકોવે જણાવ્યું કે, આ લોકો યુક્રેનમાં ગેરકાયદેસર ગતિવિધિઓ કરી રહ્યા હતા અને તેઓ રશિયાના સૈનિકો પર ગોળીબાર કરવામાં પણ સંડોવાયેલા છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
દિમિત્રને જ્યારે પુછવામાં આવ્યું કે આ અમેરિકીનોએ શું ગુનો કર્યો છે? તો તેમણે જણાવ્યું કે, હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી શકી પરંતુ આ બંને લોકોને જિનેવા કન્વેંશન અને યુદ્ધ કેદીનો લાભ નહી મળે. કારણ કે, તેઓ અમેરિકન છે યુક્રેની નહી. ફાંસી આપવાના સવાલના જવાબમાં દિમિત્રે કહ્યું કે, તે તપાસ ઉપર નિર્ભર છે. તમને જણાવી દઈએ કે, જિનેવા કન્વેંશનમાં યુદ્ધ દરમિયાન ધરપકડ થયેલા સૈનિકો અને ઘાયલ લોકો સાથે કેવું વર્તન કરવું તે અંગે સુચનાઓ અને નિયમો આપવામાં આવ્યા છે. આ સાથે યુદ્ધ કેદીઓના અધિકાર વિશે પણ જિનેવા કન્વેંશનમાં નિયમો જણાવવામાં આવ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું નિવેદનઃ
યુક્રેનમાં ધરપકડ થયેલા આ બંને અમેરિકી સૈનિકોનું નામ એલેક્ઝેંડર ડ્રૂકે અને એન્ડી હુઈન્હ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, એલેક્ઝાન્ડર ડ્રૂકે અને એન્ડી હુયન્હના ઠેકાણાઓ જાણી શકાયા નથી. ડ્યુક અને એન્ડી બંને સ્વેચ્છાએ રશિયા સામે લડવા માટે યુક્રેનિયન સૈન્યમાં જોડાયા હોવાનું કહેવાય છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમે બંને અમેરિકન નાગરિકોના ફોટા અને વીડિયો જોયા છે. સમગ્ર મામલો નજર હેઠળ છે અને અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે છીએ.