'ભારત કોઈની સામે ઝૂકશે નહીં, ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર', પુતિને કરી પ્રશંસા
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફની કોઈ અસર થશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને ચીન સ્વાભિમાની દેશો છે. ભારતીય લોકો ક્યારેય અપમાન સ્વીકારશે નહીં. હું વડાપ્રધાન મોદીને જાણું છું. તેઓ ક્યારેય આવા પગલાં લેશે નહીં.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી ભારત પર કુલ અમેરિકન ટેરિફ 50 ટકા થયો છે. વધુમાં અમેરિકાએ વારંવાર ભારત પર યુક્રેન યુદ્ધને વેગ આપવા અને રશિયાને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો છે. જો કે, ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે.
વાલ્ડઈ ક્લબ ખાતે એક કાર્યક્રમ દરમિયાન પુતિને યુરોપિયન નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તે "યુદ્ધ ઉન્માદ" ફેલાવવાનો અને નાટો પર રશિયન હુમલાના ખોટો ભય ફેલાવી રહ્યા છે. તેમણે આને બકવાસ ગણાવી અને ચેતવણી આપી કે કોઈપણ ઉશ્કેરણી પ્રત્યે રશિયાની પ્રતિક્રિયા "કડક અને નિર્ણાયક" હશે.
પુતિને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રશિયાનો અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જો યુરોપ દ્વારા ઉશ્કેરવામાં આવશે તો પ્રતિક્રિયા નિર્ણાયક અને કઠોર હશે. તેમણે કહ્યું કે અમે બે વાર નાટોમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને નકારી કાઢવામાં આવ્યા હતા. જર્મનીની સેનાને યુરોપમાં ફરીથી સૌથી શક્તિશાળી બનાવવા અંગેની તાજેતરની ચર્ચાઓને ટાંકીને તેમણે કહ્યું કે રશિયા યુરોપમાં વધતા લશ્કરીકરણ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા તેની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કરશે નહીં અને જો યુરોપ દ્વારા ઉશ્કેરવામાં આવશે તો રશિયાની પ્રતિક્રિયા ખૂબ જ મક્કમ અને અસરકારક રહેશે. તેમણે કહ્યું હતું કે, "આપણે યુરોપમાં વધતા લશ્કરીકરણને અવગણી શકીએ નહીં. આ આપણી સુરક્ષાનો પ્રશ્ન છે. જર્મનીમાં તેમની સેનાને ફરીથી યુરોપમાં સૌથી શક્તિશાળી બનાવવા માટે હાકલ કરવામાં આવી રહી છે. અમે ધ્યાનથી જોઈ રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. યાદ રાખો, રશિયા તેના પ્રતિભાવમાં વિલંબ કરશે નહીં."
રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જો કોઈ લશ્કરી રીતે આપણો સામનો કરવાનો પ્રયાસ કરે છે, તો તેઓ આમ કરી શકે છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રશિયાની સુરક્ષા, તેના નાગરિકોની શાંતિ, આપણી સાર્વભૌમત્વ અને આપણા અસ્તિત્વને જોખમમાં મૂકવામાં આવ્યું છે ત્યારે આપણે તાત્કાલિક અને કઠોર રીતે જવાબ આપ્યો છે. પુતિને કહ્યું કે રશિયાએ ક્યારેય લશ્કરી સંઘર્ષ શરૂ કર્યો નથી
રશિયન રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ વારંવાર રશિયા સામે કાલ્પનિક દુશ્મન બનાવે છે અને યુરોપને એવી નીતિઓ અપનાવવા દબાણ કરે છે જે તેના પોતાના હિતોની વિરુદ્ધ છે. પુતિને કહ્યું કે યુરોપના લોકો સમજી શકતા નથી કે રશિયા કેવી રીતે આટલો મોટો ખતરો ઉભો કરે છે કે તેઓએ પોતાને તૈયાર કરવા અને પોતાના હિતોનું બલિદાન આપવું પડે, પરંતુ યુરોપિયન નેતાઓ ઉન્માદ ફેલાવવાનું ચાલુ રાખે છે.
બ્રિક્સ દેશોની પ્રશંસા
પુતિને રશિયાની શાંતિ પહેલને ટેકો આપવા બદલ બ્રિક્સ દેશો અને અન્ય સાથીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વની કોઈ પણ શક્તિ દરેક પર પોતાની શરતો લાદી શકતી નથી. દરેક શક્તિની પોતાની મર્યાદા હોય છે. દરમિયાન, ક્રેમલિને પુષ્ટી કરી હતી કે પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક શિખર સંમેલન કરશે.





















