વળતો હુમલોઃ હવે ચીને અમેરિકા પર ઠોક્યો 125% નો ટેરિફ, બન્ને દેશો વચ્ચે તીવ્ર બન્યું ટેરિફ વૉર
US-China Tariff War: અમેરિકાના તાજેતરના નોટિફિકેશન મુજબ, ચીન પર કુલ 145 ટકા ડ્યુટી લાદવામાં આવી છે. અગાઉ, ચીને અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદીને બદલો લીધો હતો

US-China Tariff War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો છે. હવે ચીને શુક્રવારે આનો બદલો લેતા અમેરિકાથી આયાત થતા માલ પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરી દીધો છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ સતત તીવ્ર બનતુ જઇ રહ્યું છે. ગુરુવારે, અમેરિકાએ ચીનથી આયાત થતા માલ અને સેવાઓ પર ટેરિફ વધારીને 145 ટકા કરવાની જાહેરાત કરી. જેના જવાબમાં આજે ચીને પણ અમેરિકાથી આયાત થતા માલ અને સેવાઓ પર ટેરિફ વધારીને 125 ટકા કરવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને આયાતી યુએસ ઉત્પાદનો પર વધારાની ડ્યુટી વધારીને 125 ટકા કરી દીધી છે, જે અગાઉ 84 ટકા હતી. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના ટેરિફ વધારા બાદ ચીને વિશ્વ વેપાર સંગઠનમાં પણ કેસ દાખલ કર્યો છે.
અમેરિકાના ટેરિફનો બદલો લેનારો ચીન એકમાત્ર દેશ છે
અમેરિકાના તાજેતરના નોટિફિકેશન મુજબ, ચીન પર કુલ 145 ટકા ડ્યુટી લાદવામાં આવી છે. અગાઉ, ચીને અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદીને બદલો લીધો હતો અને કેટલીક અમેરિકન કંપનીઓની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, ચીને પણ આ મુદ્દાના ઉકેલ માટે અમેરિકા સાથે વાતચીત કરવામાં રસ દર્શાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ચીન એકમાત્ર એવો દેશ છે જેણે અમેરિકાના ટેરિફ સામે બદલો લીધો છે.
ટ્રમ્પે શરૂઆતમાં ચીન પર 34% ટેરિફ લાદ્યો હતો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ વિશ્વના વિવિધ દેશો પાસેથી અલગ અલગ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે શરૂઆતમાં ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારબાદ ચીને પણ અમેરિકા પર 34 ટકાનો બદલો લેતો ટેરિફ લાદ્યો હતો. અહીંથી બંને દેશો વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂ થયું. આ પછી, ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે જો તેઓ જવાબી ટેરિફ દૂર નહીં કરે, તો અમેરિકા તેમના પર વધારાની 50 ટકા ડ્યુટી લાદશે, એટલે કે કુલ 84 ટકા.
અમેરિકાની ધમકી છતાં ચીન પીછેહઠ ના કરી
અમેરિકાની આ ધમકી છતાં, ચીન પાછળ હટ્યું નહીં. આનાથી ગુસ્સે થઈને ટ્રમ્પે ચીન પર 84 ટકાના બદલે 104 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ પગલા પછી, ચીને પણ પોતાનું પગલું ભર્યું અને અમેરિકા પર બદલો લેવાનો ટેરિફ 34 ટકાથી વધારીને 84 ટકા કર્યો. ચીનના આ પગલાથી નારાજ ટ્રમ્પે બુધવારે ચીન પર લાદવામાં આવેલ ટેરિફ 104 ટકાથી વધારીને 125 ટકા કરી દીધો.





















