ભારતને નવો ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેક્સની ધમકી
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાદે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૃષિ ટેરિફ પર ભારતને ધમકી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ વિશ્વભરમાં ટેરિફ યુદ્ધ શરૂ કરી દીધું છે. ટ્રમ્પે ચીન, કેનેડા અને ભારત સહિત ઘણા દેશો પર 100 ટકા ટેરિફ લાદ્યો છે. હવે ટ્રમ્પે બીજા નવા ટેરિફની ધમકી આપી છે.
ભારતના ટેરિફની ટીકા
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાદે છે અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચા ટેરિફના કારણે અમેરિકાના ઉત્પાદનોને તે દેશોમાં નિકાસ કરવાનું "લગભગ અશક્ય" બનાવે છે.
અમેરિકા આવતીકાલથી લગાવશે પારસ્પરિક ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિએ વારંવાર ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફની ટીકા કરી છે. ટ્રમ્પ 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાદવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે, જે તેમના મતે અમેરિકા માટે "મુક્તિ દિવસ" હશે.
ઘણા દેશો અમેરિકાને લૂંટી રહ્યા છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોમવારે જણાવ્યું હતું કે, કમનસીબે આ દેશો ઘણા લાંબા સમયથી આપણા દેશને લૂંટી રહ્યા છે અને મને લાગે છે કે તેઓએ અમેરિકાના કામદારો પ્રત્યેનો પોતાની નફરત સ્પષ્ટપણે દર્શાવી છે.
અમેરિકા પર કેનેડા 300 તો જાપાન લગાવે છે 700 ટકા ટેરિફ
કેરોલિન લેવિટે કહ્યું કે ઘણા દેશો આપણા પર ખોટો ટેક્સ લગાવે છે. અમેરિકાની ડેરી પર યુરોપિયન યુનિયન તરફથી 50 ટકા (ટેરિફ) અને અમેરિકાના ચોખા પર જાપાન તરફથી 700 ટકા ટેરિફ લગાવે છે. ભારતમાંથી આવતા અમેરિકી કૃષિ ઉત્પાદનો પર 100 ટકા અને કેનેડાથી આવતા અમેરિકાના માખણ અને પનીર પર લગભગ 300 ટકા ટેરિફ છે.
તેમણે કહ્યું કે આના કારણે આ બજારોમાં અમેરિકન ઉત્પાદનોની આયાત કરવી લગભગ અશક્ય બની જાય છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા અમેરિકનો વ્યવસાયથી બહાર અને બેરોજગાર થઈ ગયા છે.





















