'જો અમારી ઉપર હુમલો કરશો તો અમેરિકન સેના...', ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને આપી કડક ચેતવણી
US Threat to Iran: ડોનાલ્ડ ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલે શનિવારે રાત્રે ઇરાન પર મોટો હવાઈ હુમલો કર્યો હતો

US Threat to Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન અમેરિકા પર કોઈપણ રીતે હુમલો કરશે, તો અમેરિકી દળો એવા સ્તર પર જવાબ આપશે જે પહેલા ક્યારેય જોવા મળ્યું ન હોય. ટ્રમ્પે કહ્યું કે શનિવારે રાત્રે ઈરાન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી, તેથી અમેરિકા પર કોઈપણ હુમલો ગંભીર પરિણામો ભોગવશે.
તેમણે આગળ લખ્યું, "આપણે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સરળતાથી સમાધાન કરી શકીએ છીએ અને આ લોહિયાળ સંઘર્ષનો અંત લાવી શકાય છે." ટ્રમ્પે આ નિવેદન તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતી વખતે આપ્યું હતું.
ઇઝરાયેલે ફરી એક મોટી કાર્યવાહી કરી
ડોનાલ્ડ ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલે શનિવારે રાત્રે ઇરાન પર મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇરાનના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય, પાવર પ્લાન્ટ અને પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 'ઓપરેશન રાઇઝિંગ લાયન' હેઠળ સતત ત્રીજી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો છે.
વધુમાં, ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું હતું કે તેહરાનમાં તે સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જે ઈરાનના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ સાથે જોડાયેલા હતા. આ હુમલાઓ પછી, જેરુસલેમ અને તેલ અવીવમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા.
પરમાણુ વાટાઘાટો રદ, ઈરાને ફરી ઇઝરાયેલ પર વળતો પ્રહાર કર્યો
ટ્રમ્પના નિવેદનના થોડા કલાકો પહેલા ઈરાને ઓમાનમાં અમેરિકા સાથે આયોજિત પરમાણુ વાટાઘાટો રદ કરી. શુક્રવારે, ટ્રમ્પે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે કરાર કરવા અપીલ કરી હતી.
બીજીતરફ, ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો હતો કે તેમના મિસાઇલો અને ડ્રોન ઇઝરાયેલની ઉર્જા પ્રણાલી અને તે સ્થાનોને નિશાન બનાવતા હતા જ્યાં ફાઇટર જેટ માટે ઇંધણ તૈયાર કરવામાં આવે છે. આ બદલો લેવાનો હુમલો ઇઝરાયેલના તાજેતરના હુમલા પછી થયો છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો છે.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી હતી
ઈરાને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને કડક ચેતવણી આપી છે કે જો તેઓ ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલા રોકવામાં મદદ કરશે તો તેમના લશ્કરી થાણાઓ અને જહાજોને નિશાન બનાવવામાં આવશે. આ ચેતવણીને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલા લોહિયાળ યુદ્ધને વધુ વિસ્તૃત કરવાના ભય તરીકે જોવામાં આવી રહી છે.





















