WHO એ વિશ્વની સૌ પ્રથમ મેલેરિયા રસીને આપી મંજૂરી, દર વર્ષે 4 લાખ લોકો જીવ ગુમાવે છે
WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ગેબ્રેયસસે કહ્યું કે તેઓ ઘાના, કેન્યા અને માલાવીમાં પાયલોટ પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ વિશ્વની પ્રથમ મેલેરિયા રસીના વ્યાપક ઉપયોગની ભલામણ કરી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) મેલેરિયાની સારવાર માટે વિશ્વની પ્રથમ રસીના ઉપયોગને મંજૂરી આપી છે. WHO એ બુધવારે RTS, S/AS01 મેલેરિયા રસીના ઉપયોગને મંજૂરી આપી છે. મચ્છરજન્ય મેલેરિયા દર વર્ષે 400,000 થી વધુ લોકોને મારી નાખે છે જેમાં મોટે ભાગે આફ્રિકન બાળકોનો સમાવેશ થાય છે.
WHO એ ઘાના, કેન્યા અને માલાવીમાં 2019 થી શરૂ થયેલા પાયલોટ પ્રોજેક્ટ પ્રોગ્રામની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. WHO એ RTS, S/AS01 મેલેરિયા રસીની ભલામણ કરી છે. ઘાના, કેન્યા અને માલાવીમાં રસીના બે મિલિયનથી વધુ ડોઝ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવ્યા હતા, જેનું પ્રથમ ઉત્પાદન 1987 માં ફાર્માસ્યુટિકલ કંપની GSK દ્વારા કરવામાં આવ્યું હતું.
અનેક લોકોના જીવ બચાવી શકાશે
WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ગેબ્રેયસસે કહ્યું કે તેઓ ઘાના, કેન્યા અને માલાવીમાં પાયલોટ પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ વિશ્વની પ્રથમ મેલેરિયા રસીના વ્યાપક ઉપયોગની ભલામણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનો ઉપયોગ કરવાથી દર વર્ષે ઘણા લોકોનો જીવ બચી જશે.
WHO પ્રથમ વખત મેલેરિયાની રસીની ભલામણ કરી
ડબ્લ્યુએચઓએ એક નિવેદનમાં કહ્યું કે તે આફ્રિકા અને અન્ય પ્રદેશોમાં મધ્યમથી ઉચ્ચ મેલેરિયા સંક્રમણ ધરાવતા બાળકોમાં રસીના વ્યાપક ઉપયોગની ભલામણ કરે છે. હાલમાં મેલેરિયા વાયરસ અને બેક્ટેરિયા સામે ઘણી રસીઓ છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે WHO એ વ્યાપક ઉપયોગ માટે મેલેરિયા સામે રસીની ભલામણ કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસી મેલેરિયાના સૌથી જીવલેણ પ્રકાર, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ સામે કામ કરે છે, જે પાંચ પરોપજીવી પ્રજાતિઓમાંની એક છે અને સૌથી ઘાતક છે. મેલેરિયાના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો, ઠંડી અને પરસેવો શામેલ છે.