(Source: ECI/ABP News/ABP Majha)
Women’s World Cup 2022: ન્યૂઝિલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાએ લગાવી જીતની હેટ્રિક, 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત ત્રીજી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને 141 રનથી હરાવીને જીતની હેટ્રિક નોંધાવી હતી
ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત ત્રીજી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને 141 રનથી હરાવીને જીતની હેટ્રિક નોંધાવી હતી. આજે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ન્યૂઝિલેન્ડની મહિલા ટીમને 141 રને હાર આપી હતી. ન્યૂઝિલેન્ડની ચાર મેચમાં આ બીજી હાર છે. જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેલીમાં ટોપ પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાએ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 270 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ સરળતાથી ઘૂંટણિયે પડી ગઈ અને માત્ર 128 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ મોટી હારની અસર ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડના રન રેટ પર પણ પડશે.
Australia pull off a comprehensive 141-run win over New Zealand thanks to some big hitting with the bat and a remarkable bowling display 👌#CWC22 pic.twitter.com/UnH95YQLoq
— ICC (@ICC) March 13, 2022
ન્યૂઝીલેન્ડની 141 રને હાર બાદ ICC મહિલા વર્લ્ડ કપમાં 8 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. વાસ્તવમાં રન મામલે મહિલા વર્લ્ડ કપમાં કોઈપણ યજમાન ટીમની આ સૌથી મોટી હાર છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના નામે હતો જ્યારે 8 વર્ષ પહેલા 2013 વર્લ્ડ કપમાં શ્રીલંકાએ તેને 138 રનથી હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે 128 રને ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાના 270 રનના ટાર્ગેટ સામે કિવી ટીમ પત્તાની જેમ પડી ભાંગી હતી. તેના બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફર્યા હતા. પરિણામે આખી ટીમ માત્ર 128 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી સુથરવેટે 44 રન બનાવ્યા હતા. જ્યારે ટીમના 6 બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડાર્સી બ્રાઉને 3 જ્યારે ગાર્ડનર અને અમાન્ડાએ 2-2 વિકેટ લીધી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી. માત્ર 56 રનમાં 3 વિકેટ પડી હતી. પરંતુ ત્યારબાદ મેકગ્રા અને પેરી વચ્ચેની સદીની ભાગીદારીએ ટીમને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. મેકગ્રાએ 57 રન જ્યારે પેરીએ 68 રન બનાવ્યા હતા. આ સિવાય ગાર્ડનરની 18 બોલમાં 48 રનની અણનમ ઇનિંગની મદદથી ટીમને 269 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.