ભારત સામેની સેમીફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, સ્ટાર ઓપનર ટૂર્નામેન્ટમાંથી બહાર
Champions Trophy 2025 Australia squad: મેથ્યુ શોર્ટ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, કુપર કોનોલી ટીમમાં સામેલ.

Cooper Connolly replaces Matthew Short: 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ શોર્ટ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવાર, 4 માર્ચે દુબઈમાં રમાનારી સેમિફાઇનલ મેચ પહેલા આ સમાચાર ઓસ્ટ્રેલિયન ટીમ માટે મોટો ફટકો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ શોર્ટના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર કુપર કોનોલીને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. આઈસીસીની ટેકનિકલ કમિટીએ ખેલાડી બદલવાની મંજૂરી આપી દીધી છે. હવે ટ્રેવિસ હેડ ભારતીય ટીમ સામેની મહત્વપૂર્ણ સેમીફાઈનલમાં નવા ઓપનિંગ પાર્ટનર સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે.
મેથ્યુ શોર્ટની જગ્યાએ ઓસ્ટ્રેલિયા પાસે ઓપનિંગ માટે બે વિકલ્પો ઉપલબ્ધ છે. ટીમ યુવા વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કને ટ્રેવિસ હેડ સાથે ઓપનિંગ કરવાની તક આપી શકે છે. આ ઉપરાંત, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર એરોન હાર્ડી પણ ટીમમાં છે અને તે પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે વિકલ્પ બની શકે છે. એરોન હાર્ડીને તક મળવાથી ટીમની બોલિંગ લાઇનઅપ પણ વધુ મજબૂત બનશે. હવે જોવાનું એ રહે છે કે કેપ્ટન સ્ટીવ સ્મિથ કોને ઓપનિંગમાં તક આપે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મેચ દુબઈના મેદાન પર રમાશે. એવી સંભાવના છે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ચાર સ્પિન બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં મુખ્ય સ્પિનર તરીકે એડમ ઝમ્પા છે, જ્યારે ગ્લેન મેક્સવેલ, ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન પણ સ્પિન બોલિંગ વિકલ્પ પૂરો પાડી શકે છે.
ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચક મુકાબલો આવવાનો છે કારણ કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ 4 માર્ચે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. રોહિત શર્માની ટીમ આ મેચમાં ગત વર્ષે 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક પણ વનડે મેચ રમાઈ નથી, જેના કારણે આ મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર ફોર્મમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે મેચમાં વરસાદના કારણે પૂરી ઓવરો રમવા મળી નથી. આમ છતાં, બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.
આ પણ વાંચો.....




















