IND vs AUS 3rd Test: વરસાદના કારણે બદલ્યો ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટનો સમય, આટલા વાગ્યે થશે શરુ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો.
India vs Australia 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. ભારે વરસાદને કારણે આ ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 19 અને નાથન મેકસ્વીની 04 રન બનાવીને અણનમ છે. આ ટેસ્ટ ભારતીય સમય અનુસાર સવારે 5.50 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વરસાદને કારણે હવે સમય બદલાયો છે.
પ્રથમ દિવસે વરસાદના કારણે સવારનું સત્ર બે વખત વિક્ષેપિત થયું હતું. પ્રથમ 30 મિનિટ માટે રમત બંધ રહી. ત્યાર બાદ ફરી વરસાદ આવતાં લાંબી રાહ જોયા બાદ દિવસની રમત વહેલી રદ કરવી પડી હતી. આ દરમિયાન ચાહકો ખૂબ જ નિરાશ દેખાતા હતા. વરસાદને કારણે બીજી વખત મેચ શરૂ થઈ શકી ન હતી અને પછી લાંબી રાહ જોયા બાદ અમ્પાયરોએ દિવસની રમત સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
સારી વાત એ છે કે બીજા દિવસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ મેચના તમામ દિવસોમાં મેચ નિયમિત ભારતીય સમય મુજબ સવારે 5:50 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હવે મેચ બાકીના દિવસોમાં સવારે 5:15 વાગ્યે શરૂ થશે. આ સાથે, એક દિવસમાં લગભગ 98 ઓવર રમાશે અને આજના સમયની ભરપાઈ કરવામાં આવશે.
દર્શકોના પૈસા પરત કરવામાં આવશે
ગાબા ટેસ્ટના પહેલા દિવસે વરસાદને કારણે માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી. દર્શકોએ 90 ઓવરની રમત જોવા માટે ટિકિટ લીધી હતી. આવી સ્થિતિમાં હવે દર્શકોને તેમના પૈસા પરત કરવામાં આવશે. જો રમત 15 ઓવરથી વધુની હોય, તો ટિકિટના પૈસા દર્શકોને પરત કરવામાં આવ્યા ન હોત, પરંતુ રમત 15 ઓવરથી ઓછીની હોવાથી ટિકિટના પૈસા પરત કરવામાં આવશે.
જાણો બીજા દિવસે વરસાદ પડશે કે નહીં ?
ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ચાહકો માટે સારા સમાચાર છે. બીજા દિવસે વરસાદની શક્યતા ઓછી છે. હવામાનની આગાહી કરતી વેબસાઈટ અનુસાર, રવિવારે વરસાદની સંભાવના માત્ર 8 ટકા છે, પરંતુ દિવસભર આકાશ વાદળછાયું રહી શકે છે. તેમ છતાં, ઘણા પ્રસંગોએ હળવા વરસાદને કારણે રમત બંધ થવાની સંભાવના રહેશે.