IND vs PAK: ન હાથ મિલાવ્યા, ન સામે જોયું; સૂર્યકુમાર યાદવે ફરી પાકિસ્તાની કેપ્ટનને ભાવ ન આપ્યો...
મેચમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ પછી જ્યારે રવિ શાસ્ત્રીએ તેમને પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેનો જવાબ આપ્યા બાદ સૂર્યકુમાર સીધા ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા ગયા.

IND vs PAK: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ પહેલા જ 'હાથ મિલાવવા'નો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. ગ્રુપ સ્ટેજની મેચમાં જે રીતે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન આઘાએ ટોસ સમયે એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા, તે જ ઘટના સુપર-4 મેચમાં પણ પુનરાવર્તિત થઈ. સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યા બાદ પાકિસ્તાની કેપ્ટનને સંપૂર્ણપણે અવગણીને, માત્ર મેચ રેફરી સાથે જ હાથ મિલાવ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ભારે ચર્ચા જગાવી છે.
સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘાને અવગણ્યા
ભારત-પાકિસ્તાન સુપર-4 મેચની શરૂઆત પહેલા ટોસ પર સૌની નજર હતી. ગ્રુપ સ્ટેજની મેચમાં હાથ ન મિલાવવાના વિવાદ બાદ એવી અપેક્ષા હતી કે આ વખતે બંને કેપ્ટન એકબીજા સાથે હાથ મિલાવશે, પરંતુ તેમ થયું નહીં. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યા બાદ પણ પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘાને અવગણ્યા.
મેચમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ પછી જ્યારે રવિ શાસ્ત્રીએ તેમને પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેનો જવાબ આપ્યા બાદ સૂર્યકુમાર સીધા ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા ગયા. તેમણે ન તો પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘા સાથે હાથ મિલાવ્યો કે ન તો તેમની સાથે આંખ મિલાવી. આ ઘટનાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
No handshake again between the two captains - Suryakumar Yadav and Salman Ali Agha 🔥#SuryakumarYadav #SalmanAgha #INDvPAK #INDvsPAK #PAKvIND #PAKvsIND #AsiaCup #AsiaCup2025 pic.twitter.com/FCUh59i84J
— Jitendra Kumar (@jitenda60203698) September 21, 2025
રસપ્રદ વાત એ છે કે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવીને માત્ર મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથે જ હાથ મિલાવ્યા. આ એ જ એન્ડી પાયક્રોફ્ટ છે, જેમની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમને એશિયા કપના મેચ રેફરી પેનલમાંથી હટાવવાની માંગ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં પણ સવાલ ટાળ્યો
આ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં પણ સૂર્યકુમાર યાદવને 'હાથ મિલાવવાના વિવાદ' વિશે પૂછવામાં આવ્યું હતું. તે સમયે પણ તેમણે આ પ્રશ્નને ટાળીને માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ નથી અને તેમના માટે આ મેચ અન્ય કોઈ પણ મેચ જેવી જ છે. ટોસ પર પણ તેમણે પોતાની આ જ વાતને સાબિત કરી. આ ઘટના બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં ચાલતા તણાવને ફરી એકવાર દર્શાવે છે.




















