IND vs PAK: પાકિસ્તાન સામે રોહિતનો ફ્લોપ શૉ યથાવત, ફરી સિંગલ ડિઝીટમાં આઉટ, જાણો અત્યાર સુધીના આંકડા
T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા.
Rohit Sharma vs Pakistan: T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમે પોતાના બંને ઓપનરની વિકેટ સાવ સસ્તામાં ગુમાવી દીધી હતી. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો પાકિસ્તાન સામે ફ્લોપ શો યથાવત રહ્યો છે. હરિસ રઉફે રોહિતને ચાર રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધો હતો.
10 ઈનિંગ્સમાં બનાવ્યા છે માત્ર 114 રનઃ
પાકિસ્તાન સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે અને તે હજી પણ ચાલુ છે. પાકિસ્તાન સામે રમાયેલી 11 મેચની 10 ઇનિંગ્સમાં રોહિતે માત્ર 114 રન જ બનાવ્યા છે. પાકિસ્તાન સામે તેની બેટિંગ એવરેજ 14.25 રહી છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ પણ 120થી ઓછો રહ્યો છે. પાકિસ્તાન સામે અણનમ 30 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે જે તેણે 2007 વર્લ્ડ કપની ફાઇનલમાં બનાવ્યો હતો.
ભારત માટે ખૂબ જ ખરાબ શરૂઆત
પ્રથમ બોલિંગ કરતી વખતે ભારતે પાકિસ્તાનને 159ના સ્કોર પર રોકી દીધું હતું. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી શાન મસૂદ અને ઈફ્તિખાર અહેમદે અડધી સદી ફટકારી હતી. સ્કોરનો પીછો કરતા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ ભારતને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો. આ પછી રોહિત શર્મા અને પછી સૂર્યકુમાર યાદવ પણ પેવેલિયન પરત ફર્યા હતા. ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ