ICC ટુનામેન્ટમાં પણ પાકિસ્તાન સાથે નહી રમે ભારત? પહલગામ હુમલા બાદ BCCIએ ICCને લખ્યો પત્ર
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા

BCCI Writes to ICC: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે. બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અથવા ACC ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે, પરંતુ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ BCCI એ બીજો મોટો નિર્ણય લીધો છે અને આ સંદર્ભમાં ICC ને પત્ર પણ લખ્યો છે.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ એક મોટું પગલું ભર્યું છે અને આઈસીસીને પત્ર લખીને માંગ કરી છે કે ભારત અને પાકિસ્તાનને કોઈપણ ટુર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં ન રાખવા જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI હવે એવું નથી ઇચ્છતું કે ભારત અને પાકિસ્તાન ICC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરે, ઓછામાં ઓછું ગ્રુપ સ્ટેજમાં તો નહીં. જો બંને ટીમો સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચે તો વાત અલગ હશે પણ ઓછામાં ઓછા ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોને સાથે ન રાખવી જોઈએ. આગામી મોટી ICC ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં છે, જેમાં ભારત મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન કરશે. પાકિસ્તાનની મહિલા ટીમ આ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
એશિયા કપમાં શું થશે?
પુરુષોની ક્રિકેટમાં આગામી ICC ટુર્નામેન્ટ 2026માં ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રમાશે જેમાં ભારત અને શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરશે. જોકે, આ પહેલા BCCIની ચિંતા એશિયા કપ અંગે હશે. આ વર્ષે પુરુષ ક્રિકેટ એશિયા કપનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાય તેવી શક્યતા છે. ભારત અને પાકિસ્તાન હાલમાં ગ્રુપ A માં છે, તેમની સાથે UAE અને હોંગકોંગ પણ છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઓમાનનો સમાવેશ થાય છે. ભારત એશિયા કપનું યજમાન છે, પરંતુ ક્રિકબઝના એક અહેવાલમાં અગાઉ જણાવાયું હતું કે આખી ટુર્નામેન્ટ તટસ્થ સ્થળોએ યોજાવાની શક્યતા છે.
હવે જોવાનું એ રહે છે કે શું ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં એક જ ગ્રુપમાં રહે છે કે પછી આ અંગે કોઈ નિર્ણય લઈ શકાય છે કારણ કે ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર થયું નથી. શિડ્યૂલ મે સુધીમાં આવવાની શક્યતા છે પરંતુ તે BCCI અને PCB વચ્ચેના સંકલન પર નિર્ભર રહેશે. વાસ્તવમાં પાકિસ્તાન ભારતમાં તેની મેચ નહીં રમે, આવી સ્થિતિમાં તટસ્થ સ્થળ પર ચર્ચા થઈ શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બંને વચ્ચે તણાવ રહેશે તો ટુર્નામેન્ટ પણ રદ થઈ શકે છે.




















