IND vs ENG 3rd ODI: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વન-ડે, વિરાટ કોહલી પર રહેશે નજર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ આજે (17 જુલાઈ) ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની છેલ્લી મેચ આજે (17 જુલાઈ) ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાશે. સીરિઝની પ્રથમ વન-ડેમાં ભારતે એકતરફી રીતે જીત મેળવી હતી. બીજી મેચમાં ઇગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. હવે ટીમ ઈન્ડિયા આ નિર્ણાયક મેચ જીતીને સીરિઝ પર કબજો કરવા ઈચ્છશે.
ભારતીય બોલરો ફોર્મમાં છે
કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વનડેમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ લોર્ડ્સમાં રમાયેલી બીજી મેચમાં બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યા નહોતા, જેના કારણે ભારતીય ટીમ 146 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે સારી બાબત તેના બોલરોનું ફોર્મ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ખૂબ જ ખતરનાક ફોર્મમાં છે. જ્યારે સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ બીજી વન-ડેમાં ચાર વિકેટ લઈને ફોર્મ બતાવ્યું હતું.
કોહલી-ધવન પર રહેશે નજર
ત્રીજી વનડે મેચમાં વિરાટ કોહલી અને ઓપનર શિખર ધવન પર નજર રહેશે. વિરાટ કોહલીનું ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ બની ગયું છે. બીજી વનડેમાં પણ કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં, ઇગ્લેન્ડના બોલરો આ વ્યૂહરચના હેઠળ કોહલીને ફસાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ શિખર ધવન પણ મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે.
ભારતનો હાથ ઉપર
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધીમાં 105 વન-ડે મેચ રમાઈ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડે 44 અને ભારતે 56 વખત જીત મેળવી છે. જ્યારે બે મેચ ટાઈમાં સમાપ્ત થઈ અને ત્રણ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. ઇંગ્લેન્ડની ધરતી પર બંને ટીમો વચ્ચે 44 મેચ રમાઇ છે, જેમાં યજમાન ટીમે 23 અને ભારતે 17 મેચ જીતી છે. જ્યારે એક મેચ ટાઈ અને ત્રણ મેચ અનિર્ણિત રહી હતી.
2014માં શ્રેણી જીતી હતી
ભારતે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે વનડેમાં 10 સીરિઝ જીતી છે, જેમાં તેણે ઈંગ્લેન્ડની ધરતી પર માત્ર ત્રણ શ્રેણી જીતી છે. તેમાં 1986માં 1-1ની ડ્રો પણ સામેલ હતી, જેમાં ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતે છેલ્લી વખત આઠ વર્ષ પહેલા 2014માં ઈંગ્લેન્ડની ધરતી પર શ્રેણી કબજે કરી હતી. ત્યારપછી એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે પાંચ મેચોની શ્રેણી 3-1થી જીતી હતી.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુઝર્વેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા
ઇગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જેસન રોય, જૉની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, ક્રેગ ઓવરટન, ડેવિડ વિલી, બ્રાયડન કાર્સ, રીસ ટોપ્લી