Team India: રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટી-20 ટીમમાં કેમ ન મળ્યુ સ્થાન? હેડ કોચ રાહુલ દ્રવિડે આપ્યું કારણ?
હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને રોહિત શર્માના T20 ટીમમાં ન હોવા અંગે મોટું નિવેદન આપ્યું છે
ટીમ ઈન્ડિયાએ વન-ડે સીરિઝ પૂર્ણ થયા બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી-20 મેચ પણ રમવાની છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને ટી-20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપમાંથી ભારત સેમીફાઇનલમાંથી બહાર થયું ત્યારથી જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલની ટી-20 કારર્કિદી પર સવાલો ઉઠી રહ્યા છે. જો જોવામાં આવે તો ટી-20 વર્લ્ડ કપ પછી ત્રણેય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં એક પણ મેચ રમ્યા નથી.
હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલી અને રોહિત શર્માના T20 ટીમમાં ન હોવા અંગે મોટું નિવેદન આપ્યું છે. દ્રવિડે કહ્યું કે કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડનું માનવું છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ અને વન-ડે વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટ છે, આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે વર્કલોડ મહત્વપૂર્ણ છે. BCCIની નવી નીતિ અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) આ વર્ષની IPL દરમિયાન ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખશે.
દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે પહેલા કહ્યું હતું કે વર્કલોડ મેનેજમેન્ટ આજે રમતનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અમે આ બાબતોની સમીક્ષા કરતા રહીએ છીએ. અમે ખેલાડીઓ (રોહિત, વિરાટ, કેએલ રાહુલ)ને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ટી20 સિરીઝ માટે બ્રેક આપ્યો હતો. ઈન્જરી મેનેજમેન્ટ અને વર્કલોડ મેનેજમેન્ટ બે અલગ વસ્તુઓ છે. આપણે જેટલુ ક્રિકેટ રમી રહ્યા છીએ તે જોતા બંને વચ્ચે સંતુલન હોવું જોઈએ કે નજીકના ભવિષ્યમાં આપણા માટે પ્રાથમિકતા શું છે. આ ઉપરાંત, તે સુનિશ્ચિત કરવું પડશે કે અમારા મોટા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ છે.
IPLમાં સિનિયરો ભાગ લેશેઃ દ્રવિડ
દ્રવિડે કહ્યું કે ODI વર્લ્ડકપની યોજનામાં સામેલ ખેલાડીઓ IPLમાં રમશે કારણ કે તે તેમની T20 કુશળતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. દ્રવિડે કહ્યું, 'NCA અને અમારી મેડિકલ ટીમ IPLના મામલામાં ફ્રેન્ચાઈઝીના સતત સંપર્કમાં રહેશે અને જો કોઈ સમસ્યા કે ઈજા હશે તો અમે તેની સાથે રહીશું. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત હોય અથવા અન્ય કોઈ ચિંતા હોય તો મને લાગે છે કે BCCI પાસે તેને પડતો મૂકવાનો અધિકાર છે. પરંતુ જો તે ફિટ હશે તો અમે તેને આઈપીએલ માટે રિલીઝ કરીશું કારણ કે તે એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.
રાહુલ દ્રવિડનું માનવું છે કે આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર મેચોની ટેસ્ટ શ્રેણી પહેલા બે અઠવાડિયાના કેમ્પ પહેલા આ વિરામ જરૂરી છે.
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એ વાતને નકારી કાઢી છે કે તેમની ટીમ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની નીતિ અપનાવી રહી છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને 2024માં ટી-20 વર્લ્ડકપમાં ભારતના કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર છે.