IPL 2021 Points Table: પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થવાનો ભય, રાજસ્થાન રોયલ્સને થયો મોટો ફાયદો
ખૂબ જ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રને હરાવ્યું.
IPL 2021 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14 માં મંગળવારે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફ માટે મજબૂત દાવો કર્યો છે. આ સાથે જ આ વખતે પણ પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ભય છે. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ જો કે નંબર વન પર છે.
ખૂબ જ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રને હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સના 8 પોઇન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાંથી તેણે ચારમાં જીત મેળવી છે જ્યારે ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી
પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 9 મેચ રમી છે. પંજાબ કિંગ્સ 9 માંથી 6 મેચ હારી છે અને ત્રણ જીતી છે. પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની પાંચ મેચ જીતવી પડશે.
12-12 પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પ્રથમ સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. KKRની ટીમ 8 મેચમાં 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર એક મેચ જીતી છે અને તે છેલ્લા સ્થાને છે.
કેએલ રાહુલ ઓરેન્જ કેપ હોલ્ડર
પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ 8 મેચમાં 380 રન બનાવીને ઓરેન્જ કેપ હોલ્ડર બન્યો છે. ધવન 380 રન સાથે બીજા સ્થાને છે. મયંક અગ્રવાલ 327 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ડુ પ્લેસિસ ચોથા અને પૃથ્વી શો પાંચમા સ્થાને છે.
હર્ષલ પટેલ 8 મેચમાં 17 વિકેટ લઈને પર્પલ કેપ જાળવી રાખી છે. અવેશ ખાને 14 વિકેટ લીધી છે અને તે બીજા સ્થાને છે. ક્રિસ મોરિસ 14 વિકેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અર્શદીપ સિંહ ચોથા અને રાહુલ ચાહર પાંચમા સ્થાને છે.