BCCI on IPL 2021: આઈપીએલ દરમિયાન કેટલા RT-PCR ટેસ્ટ થશે ? કેટલા સભ્યોની મેડિકલ ટીમ રહેશે હાજર
BCCI on IPL 2021:19 સપ્ટેમ્બરથી દુબઈમાં આઈપીએલ 2021નો બીજો તબક્કો શરૂ થવાનો છે.
IPL 2021: 19 સપ્ટેમ્બરથી દુબઈમાં આઈપીએલ 2021નો બીજો તબક્કો શરૂ થવાનો છે. આ દરમિયાન બીસીસીઆઈ જાણીતી મેડિકલ સર્વિસ પ્રોવાઇડર VPS હેલ્થકરે સાથે મળીને આઈપીએલ પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ અને સ્ટેકહોલ્ડર્સના મળીને 30,000 RT-PCR ટેસ્ટ કરશે. આઈપીએલની બાકી રહેલી 31 મેચો માટે આટલા ટેસ્ટ કરવામાં આવશે. આ માટે 100 સભ્યોની મેડિકલ ટીમ પણ તૈનાત કરાશે.
દુબઈ સ્થિતિ આ હેલ્થ કેર કંપની ખેલાડીઓની ઈમરજન્સી ટ્રીટમેંટ માટેની ઈનચાર્જ છે. ઉપરાંત સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ અને એર એમ્બ્યુલન્સ સપોર્ટ પણ આઈપીએલ દરમિયાન પૂરો પાડશે. ખેલાડીઓ આઈપીએલ બાયો બબલ તોડીને બહાર ન નીકળે તે માટે નર્સિંગ અને મેડિકલ સ્ટાફને પણ બાયો બબલવાળી હોટલમાં જ ઉતારો આપવામાં આવશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
યુએઈમાં 13 મેચ દુબઇમાં યોજાશે. દસ મેચ શારજાહમાં યોજાશે. જ્યારે આઠ અબુધાબીમાં થશે. સાત મેચ ડબલ-હેડર હશે, જેમાં પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી તરફ સાંજે જે મેચો આયોજીત કરવામાં આવી છે તે તમામ મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
દિલ્હી-બેંગ્લોર વચ્ચે અંતિમ મેચ
અંતિમ મેચ 8 ઓક્ટોમ્બરે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મુકાબલો 10 ઓક્ટોબરના રોજ દુબઈમાં યોજાશે. જ્યારે કે એક એલિમિનેટર અને ક્વોલિફાયર 2 11 અને 13 ઓક્ટોબરના રોજ શારજહામાં રમાશે. IPLની આ સિઝનનો ફાઈનલ મુકાબલો દુબઈમાં 15 ઓક્ટોબર યોજાશે.
રમાઈ ચુકયા છે 29 મુકાબલા
અનેક ટીમોમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને 4 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી. 2 મે સુધી કુલ 29 મુકાબલા રમાયા હતા. આઈપીએલ 2021 સ્થગિત થઈ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાં છ જીત સાથે પ્રથમ સ્થાને હતું. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ મેચમાં જીત સાથે બીજા નંબર પર હતું. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની આરસીબી પાંચ મેચમાં જીત સાથે ત્રીજા ક્રમે હતું.