IPL Auction 2022: ઓક્શનમાં આ ખેલાડીઓ પર થઇ ધનવર્ષા, આ છે સૌથી વધુ રૂપિયામાં ખરીદાયેલા ટોચના પાંચ ખેલાડીઓ
IPL 2022ની મેગા ઓક્શન બેંગ્લોરમાં ચાલી રહ્યું છે. પ્રથમ દિવસની હરાજીમાં 161 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.
IPL 2022, Mega Auction: IPL 2022ની મેગા ઓક્શન બેંગ્લોરમાં ચાલી રહ્યું છે. પ્રથમ દિવસની હરાજીમાં 161 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. હરાજીમાં અત્યાર સુધીમાં અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. અત્યાર સુધીના સૌથી વધુ રૂપિયામાં ખરીદાયેલા ખેલાડીઓ આ મુજબ છે.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ ઐયરને આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે. બે કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા શ્રેયસને કોલકત્તાએ 12.25 કરોડ રૂપિયામા ખરીદ્યો છે. શ્રેયસને ખરીદવાની રેસમાં દિલ્હી, બેંગ્લોર, ગુજરાત, લખનઉ જેવી ટીમો પણ સામેલ હતી. KKR એક કેપ્ટનની શોધમાં છે. તેથી શ્રેયસ અય્યર શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ગુજરાતના ઝડપી બોલર હર્ષલ પટેલને આરસીબીએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હર્ષલ પટેલે ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ લીધી હતી. આ દરમિયાન હર્ષલે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ડ્વેન બ્રાવોની બરાબરી કરી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાને પંજાબ કિંગ્સે 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રબાડાને ખરીદવા માટે પંજાબ ઉપરાંત ગુજરાત અને દિલ્હીની ટીમોએ પણ ભાગ લીધો હતો, પરંતુ છેલ્લે પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો હતો.
કેરેબિયન ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સે 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાજસ્થાન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો.
કેરેબિયન બેટ્સમેન શિમરોન હેટમેર આ વખતે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. રાજસ્થાને તેને 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમનાર હેટમેરની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ રૂપિયા હતી.