Ishan Kishan Double Century: '300 રન પણ બનાવી શકતો હતો', બેવડી સદી બાદ ઇશાન કિશને આપ્યુ મોટું નિવેદન
ઈશાન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે.
Ishan Kishan Double Century: બાંગ્લાદેશ સામેની ચિત્તાગોંગ વનડેમાં ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને તક મળી છે. તેણે તેનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો અને વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે.
પરંતુ મોટી ઈનિંગ બાદ ઈશાન કિશને મોટું નિવેદન આપ્યું છે. તેણે ત્રેવડી સદી ફટકારવાની વાત કરી હતી. ઈશાને કહ્યું હતું કે જ્યારે તે આઉટ થયો હતો ત્યારે હજુ 15 ઓવર રમવાની બાકી હતી. આવી સ્થિતિમાં જો તે નોટઆઉટ હોત તો 300 રન પણ બનાવી શક્યો હોત.
ઈશાને મેચમાં 131 બોલમાં 210 રન બનાવ્યા હતા. જેમાં 24 ચોગ્ગા, 10 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે પોતાની બેવડી સદી 126 બોલમાં પૂરી કરી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 160ની આસપાસ હતો. ઈશાન સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે 2015માં ઝિમ્બાબ્વે સામે 134 બોલમાં બેવડી સદી ફટકારનાર યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો.
ઈશાન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે તેની કારકિર્દીમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. સૌથી વધુ 264 રનનો સ્કોર પણ રોહિતના નામે છે.
મેચમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશને ઇનિંગ્સ બાદ કહ્યું હતું કે આ વિકેટ બેટિંગ માટે શાનદાર હતી. મારો ઈરાદો સ્પષ્ટ હતો કે જો બોલ મારી પાસે આવશે તો હું રમીશ. આ દરમિયાન એન્કરે પૂછ્યું કે બેવડી સદીની યાદીમાં ક્રિસ ગેલ, સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે ઈશાનનું નામ જોડાઈ ગયું છે.આ અંગે ઈશાને કહ્યું, 'આ દિગ્ગજો સાથે મારું નામ જોડાતા હું ખૂબ ભાગ્યશાળી માનું છું. મને હજુ પણ લાગે છે કે જ્યારે હું આઉટ થયો ત્યારે 15 ઓવર બાકી હતી. હું 300 રન પણ બનાવી શક્યો હતો.
ભારતીય ટીમે આ મેચ 227 રને જીતી લીધી હતી
ઉલ્લેખનીય છે કે આ મેચમાં ઈશાન સિવાય વિરાટ કોહલીએ 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 290 રનની શાનદાર ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો હતો. વન-ડે ક્રિકેટમાં બીજી વિકેટ માટે આ ચોથી સૌથી મોટી ભાગીદારી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 409 રન બનાવ્યા હતા.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 227 રનથી મેચ જીતી લીધી હતી. જોકે, બાંગ્લાદેશે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. યજમાન ટીમે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી.