IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
Jasprit Bumrah Record: કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો હતો.

asprit Bumrah 100 wickets all formats record: દક્ષિણ આફ્રિકા સામે કટક ખાતે રમાયેલી T20 મેચ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે યાદગાર સાબિત થઈ છે. ભારતે આ મેચમાં 101 રને ભવ્ય જીત મેળવી, પરંતુ ચર્ચાનું કેન્દ્ર બુમરાહનો અનોખો રેકોર્ડ રહ્યો. આ મેચમાં વિકેટ લેતાની સાથે જ બુમરાહ ભારતનો એકમાત્ર એવો બોલર બની ગયો છે, જેના નામે ટેસ્ટ, વન-ડે અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ વિકેટ લેવાનો કીર્તિમાન નોંધાયો છે.
ડેવાલ્ડ બ્રેવિસની વિકેટ સાથે જ રેકોર્ડ બુકમાં નામ નોંધાયું
કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો હતો. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી હતી. આ સાથે જ તે T20 ફોર્મેટમાં 100 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય બોલર બન્યો છે. જોકે, તેની સૌથી મોટી સિદ્ધિ એ છે કે હવે તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બોલર બની ગયો છે.
આવી સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ અને એકમાત્ર બોલર
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઘણા મહાન બોલરો થયા છે, પરંતુ જે કામ જસપ્રીત બુમરાહે કરી બતાવ્યું છે તે અન્ય કોઈ કરી શક્યું નથી. બુમરાહ ભારતનો સૌપ્રથમ એવો ખેલાડી બન્યો છે જેણે ટેસ્ટ, વન-ડે (ODI) અને T20I ત્રણેયમાં 100 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય. આ અગાઉ કોઈ પણ ભારતીય બોલર આ ત્રણેય ફોર્મેટમાં વિકેટની સદી પૂરી કરી શક્યો નથી.
વિશ્વના દિગ્ગજ બોલરોની ‘એલિટ ક્લબ’ માં સામેલ
આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો બુમરાહ આવું પરાક્રમ કરનાર વિશ્વનો પાંચમો બોલર બન્યો છે. તેણે વિશ્વના દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અત્યાર સુધી માત્ર નીચે મુજબના 4 બોલરો જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા:
લસિથ મલિંગા (શ્રીલંકા)
ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ)
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)
શાહીન શાહ આફ્રિદી (પાકિસ્તાન)
જસપ્રીત બુમરાહ (ભારત)
બુમરાહના આંકડા અને મેચનું પ્રદર્શન
જસપ્રીત બુમરાહની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 234 વિકેટ અને વન-ડેમાં 149 વિકેટ ઝડપી છે. હવે T20 માં પણ તેણે 100 વિકેટનો આંકડો વટાવી દીધો છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા પોતાની 3 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
ભારતની એકતરફી જીત: શ્રેણીમાં 1-0 ની સરસાઈ
મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની તોફાની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 175 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને માત્ર 12.3 ઓવરમાં 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 101 રનની આ વિશાળ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. અગાઉ વન-ડે શ્રેણી પણ ભારતે 2-1 થી જીતી લીધી હતી.




















