india vs south africa: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત
હાલ તે મેડિકલ ટીમના સુપરવિઝનમાં છે અને વિકલ્પમાં શ્રેયસ અય્યરને ફિલ્ડિંગમાં લગાવવામાં આવ્યો હતો.
Team India: ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે સેંચુરિયનમાં રમાઈ રેહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. આ કારણે તેને મેદાનની બહાર લઈ જવાયો હતો. હાલ તે મેડિકલ ટીમના સુપરવિઝનમાં છે અને વિકલ્પમાં શ્રેયસ અય્યરને ફિલ્ડિંગમાં લગાવવામાં આવ્યો હતો. બુમરાહ ઝડપથી સાજો નહી થાય તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી વધી શકે છે. બુમરાહે તેની પ્રથમ ઓવરમાં જ દક્ષિણ આફ્રીકાને પ્રથમ ઝટકો આપ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહ તેની છઠ્ઠી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. મેચની 11મી ઓવરનો પાંચમો બોલ ફેંકતી વખતે, જસપ્રિત બુમરાહે તેના ફોલો થ્રૂ પર જતાની સાથે જ તેનો પગ વળી ગયો હતો. જસપ્રીત બુમરાહને એટલો દુખાવો હતો કે તે જમીન પર સૂઈ ગયો. બુમરાહ દર્દથી પીડાઈ રહ્યો હતો. બુમરાહને પીડામાં જોઈને ભારતીય ટીમનો ફિઝિયો તરત જ મેદાનમાં દોડી ગયો અને બુમરાહને બહાર લઈ જવામાં આવ્યો.
જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતના સૌથી મોટા મેચ વિનર બોલર છે. દક્ષિણ આફ્રિકાની પીચ પર તેની બોલિંગ વિરોધી બેટ્સમેનો માટે એક મોટા પડકાર સમાન છે. આ સ્થિતિમાં જો બુમરાહની ઈજા ગંભીર હશે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકા સમાન હશે. ઉલ્લેખનીય છે કે બુમરાહે 3 વર્ષ પહેલા સાઉથ આફ્રિકાના પ્રવાસથી પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી અને તેણે ડેબ્યૂ સિરીઝમાં જ 14 વિકેટ ઝડપી હતી. બુમરાહને સાઉથ આફ્રિકા સીરીઝ પહેલા ઘણો આરામ આપવામાં આવ્યો હતો. તે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝમાં રમ્યો ન હતો. બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહની ઈજા અંગે અપડેટ પણ આપી હતી. BCCI અનુસાર, જસપ્રિત બુમરાહના પગની ઘૂંટી વળી ગઈ છે. બુમરાહ મેડિકલ ટીમની દેખરેખમાં છે અને તેની જગ્યાએ શ્રેયસ અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો છે.
સેન્ચુરિયન ટેસ્ટના પ્રથમ દાવની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની પ્રથમ 4 વિકેટ માત્ર 32 રનમાં પડી ગઈ હતી. બુમરાહ સિવાય મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે પણ શાનદાર બોલિંગ કરી હતી. શમીએ કીગન પીટરસન અને એડન માર્કરામને શાનદાર બોલ પર આઉટ કર્યા જ્યારે સિરાજે રાસી વાન ડેર દુસાનની વિકેટ લીધી.
મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીએ 4 વિકેટ ઝડપી હતી. શમીએ 13 ઓવરમાં 35 રન આપી 4 વિકેટ ઝડપી છે.