વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝમાં KL રાહુલનું રમવાનું લગભગ નક્કી નથી, જાણો શું છે કારણ
સિરીઝ માટે ટીમની જાહેરાત કરવાની સાથે જ પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું હતું કે કેએલ રાહુલે પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.
India Vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચોની સિરીઝ 29 જુલાઈથી શરૂ થઈ રહી છે. રોહિત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ ખેલાડીઓ T20 શ્રેણી માટે સોમવારે વેસ્ટ ઈન્ડિઝ પહોંચશે. પરંતુ ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલના ટી-20 સીરીઝમાં રમવાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી.
ગયા અઠવાડિયે કેએલ રાહુલનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારથી કેએલ રાહુલને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. એવા અહેવાલો છે કે કેએલ રાહુલ કોરોના પોઝિટિવ હોવાના કારણે હજુ વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થયા નથી. હવે કેએલ રાહુલના ટી-20 સિરીઝમાં રમવાની શક્યતાઓ ઘણી ઓછી લાગી રહી છે.
જોકે, કોરોના પોઝિટિવ આવતા પહેલા પણ કેએલ રાહુલનું ટી-20 સિરીઝમાં રમવાનું સંપૂર્ણ રીતે નક્કી થયું ન હતું. સિરીઝ માટે ટીમની જાહેરાત કરવાની સાથે જ પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું હતું કે કેએલ રાહુલે પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ રાહુલને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની તક મળશે.
કેએલ રાહુલ ઇજાગ્રસ્ત છે
તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ આઈપીએલથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. KL રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ સિરીઝની શરૂઆત પહેલા રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
કેએલ રાહુલની ઈજા ઘણી ગંભીર હતી અને આ કારણે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો. જો કે એવી અટકળો ચાલી રહી છે કે કેએલ રાહુલ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સામેની શ્રેણી દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે.