(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Sharma announces Retirement: IPL સ્ટાર રાહુલ શર્માએ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત, રેવ પાર્ટીમાં આવ્યું હતું નામ
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રાહુલ શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે
Rahul Sharma announces Retirement: ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રાહુલ શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. રાહુલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી કંઈ ખાસ રહી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચમકનાર રાહુલની કારકિર્દી રેવ પાર્ટી, ઈજા અને પછી ખરાબ ફોર્મના કારણે બરબાદ થઈ ગઈ હતી.
Thanks to all for ur love and support throughout my journey 😊❤️🇮🇳 @BCCI @BCCIdomestic @IPL #retirement pic.twitter.com/anqBGUSwoa
— Rahul Sharma (@ImRahulSharma3) August 28, 2022
પંજાબના જલંધરમાં જન્મેલા રાહુલ શર્મા આ વર્ષે 30 નવેમ્બરે 36 વર્ષના થશે. ટ્વિટર પર એક ઇમોશનલ પોસ્ટ કરીને તેણે ક્રિકેટને અલવિદા કરવાની જાહેરાત કરી હતી. રાહુલે લખ્યુ હતું કે હું આંતરરાષ્ટ્રીય તેમજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.
રાહુલ હવે રોડ સેફ્ટી ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે
રાહુલ શર્મા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સીઝનમાં રમતો જોવા મળશે. આ જ કારણ છે કે તેણે રોડ સેફ્ટી ટૂર્નામેન્ટ રમવા માટે નિવૃત્તિની જાહેરાત કરી છે. રાહુલ શર્માની IPL 2011ની સિઝન ઘણી સારી રહી હતી. આ સિઝનમાં તેણે પૂણે વોરિયર્સ તરફથી રમતા 14 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. આ જ કારણ હતું કે આ વર્ષે તેને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી.
રાહુલની ડેબ્યૂ વનડે મેચમાં સેહવાગે બેવડી સદી ફટકારી હતી
8 ડિસેમ્બર 2011ના રોજ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર રાહુલ શર્મા 4 ODI અને 2 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. જોકે બાદમાં તેને ટીમમાં તક મળી નહોતી. રાહુલે વનડેમાં માત્ર 6 અને ટી20માં 3 વિકેટ લીધી હતી. રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈન્દોર વનડે મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ જ મેચમાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે 149 બોલમાં બેવડી સદી ફટકારીને 219 રન બનાવ્યા હતા.
રાહુલે IPLમાં સચિન તેંડુલકરની વિકેટ લીધી હતી
રાહુલ શર્મા પૂણે ઉપરાંત IPLમાં ડેક્કન ચાર્જર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે IPL કરિયરમાં 44 મેચ રમી જેમાં 40 વિકેટ ઝડપી હતી. રાહુલે 2011 IPLમાં સચિન તેંડુલકરની વિકેટ લઈને ચર્ચા જગાવી હતી.
વર્ષ 2012માં તે સાઉથ આફ્રિકાના ખેલાડી વેઈન પાર્નેલ સાથે રેવ પાર્ટીમાં ઝડપાયો હતો. પછી પાર્નેલે કહ્યું કે તે નશો કરતો નથી અને ખોટા સમયે ખોટી જગ્યાએ સમય વિતાવી રહ્યો હતો. મુંબઈ પોલીસે રવિવારે જુહુ બીચની નજીક આવેલી ઓકવુડ પ્રીમિયર હોટેલમાં દરોડા પાડીને બંને ખેલાડીઓને પકડી લીધા હતા.