ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ટી-20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી.
View this post on Instagram
કેપ્ટન રોહિત શર્મા અને કિંગ કોહલી બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી છે.
ઇન્સ્ટાગ્રામ પર જાડેજાએ શું લખ્યું -
જાડેજાએ લખ્યું, "મારા હૃદયથી, હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહું છું. ગર્વથી દોડી રહેલા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ આવું કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડકપ જીતીને એક સ્વપ્ન સાકાર થયું, મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચની યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર."
15 વર્ષની ક્રિકેટ કેરિયરની કહ્યું અલવિદા
10 ફેબ્રુઆરી 2009ના રોજ જાડેજાએ 15 વર્ષની T20 કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ ટી20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા.
જાડેજાએ ટી20 વર્લ્ડકપ 2024ની છેલ્લી મેચ રમી હતી. આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે તેની ડેબ્યૂ અને છેલ્લી મેચ લગભગ સમાન રહી છે.
રવિન્દ્ર જાડેજાના ફોર્મની વાત કરીએ તો 6 T20 વર્લ્ડકપ રમવાનો સારો અનુભવ હોવા છતાં જાડેજા T20 વર્લ્ડકપમાં કોઈ કમાલ ન હતો કરી શક્યો. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 11 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આમાં તેણે 13ની એવરેજ અને 98ની સ્ટ્રાઈક રેટથી 102 રન બનાવ્યા છે. જાડેજાની સૌથી મોટી ઇનિંગ 26 રનની હતી. જાડેજાએ આ 11 ઇનિંગ્સમાં માત્ર એક સિક્સર ફટકારી હતી. આ T20 વર્લ્ડકપની બે ઇનિંગ્સમાં તેના 7 રન છે. પાકિસ્તાન સામેની મેચમાં જાડેજા મોહમ્મદ આમિર સામે પહેલા જ બોલ પર આઉટ થયો હતો.
બોલિંગની વાત કરીએ તો 22 યાર્ડની આ પટ્ટી પર પણ જાડેજા પોતાની બોલિંગનો કોઈ જાદુ દેખાડી શક્યો નથી. તેણે 6 T20 વર્લ્ડકપમાં 22 વિકેટ ઝડપી છે. જેમાં સ્કોટલેન્ડ અને નામિબિયા સામે 6 વિકેટ છે. તે 26 રનમાં એક વિકેટ લેવામાં સક્ષમ છે અને તેને એક વિકેટ લેવા માટે 21 બોલનો સમય લાગે છે. IPLમાં તેણે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ભારત માટે T20 વર્લ્ડ કપમાં તેણે બેટ કે બોલથી કોઈ જાદુ નથી દેખાડ્યો.