Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતાં એશિયા કપમાંથી અને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી
Ravindra Jadeja Surgery: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતાં એશિયા કપમાંથી અને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મેચ બાદ સમાચાર આવ્યા હતા કે જાડેજાને ઘૂંટણાં ઈજા થઈ હતી અને તે હવે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે હવે રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈંસ્ટા પેજ પર પોતાના ઘૂંટણની સર્જરી અંગે જાણકારી આપી છે.
જાડેજાનું ઘૂંટણની સર્જરી સફળ રહીઃ
આજે રવિન્દ્ર જાડેજાએ ઈંસ્ટાગ્રામ પર પોતાના બે ફોટો શેર કર્યા હતા. આ ફોટોના કેપ્શનમાં રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ''સર્જરી સફળ રહી છે. ઘણા લોકો છે જેમના સમર્થન અને સહયોગ માટે આભાર માનવો છે. BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડૉક્ટર્સ અને ચાહકો બધાનો આભાર. હું જલ્દી જ મારું રિહેબ શરૂ કરીશ અને બને એટલી જલ્દી ક્રિકેટમાં પાછા ફરવાનો પ્રયત્ન કરીશ. તમારી શુભેચ્છાઓ માટે દરેકનો આભાર.''
View this post on Instagram
પાકિસ્તાન સામે જાડેજાનું શાનદાર પ્રદર્શનઃ
ભારતે ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ ખૂબ જ કપરી હતી અને છેલ્લી ઓવર સુધી ચાલી હતી. આ મેચમાં જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે અડધી સદીની ભાગીદારી બનાવીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું. જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પંડ્યાએ 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. જેમાં પંડ્યાએ 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.