(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 3 મહારેકોર્ડ પર રહેશે રોહિત શર્માની નજર, મોટી ઉપલબ્ધિથી માત્ર એક સ્ટેપ દુર હિટમેન....
આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં આવતીકાલે ભારતીય ટીમની ટક્કર વર્લ્ડકપ ચેમ્પીયન ઇંગ્લેન્ડ સામે થવાની છે. આ મેચ ભારત માટે અને ખાસ કરીને કેપ્ટન માટે ખુબ મહત્વની રહેવાની છે
Rohit Sharma, IND vs ENG: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં આવતીકાલે ભારતીય ટીમની ટક્કર વર્લ્ડકપ ચેમ્પીયન ઇંગ્લેન્ડ સામે થવાની છે. આ મેચ ભારત માટે અને ખાસ કરીને કેપ્ટન માટે ખુબ મહત્વની રહેવાની છે. રોહિત શર્મા વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડ સામેની મેચ દ્વારા ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ત્રણેય ભારતીય કેપ્ટન મેગા-રેકોર્ડથી માત્ર એક સ્ટેપ દૂર છે. ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની છઠ્ઠી મેચ ઇંગ્લેન્ડ સામે 29 ઓક્ટોબર, રવિવારે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટૂર્નામેન્ટમાં રોહિત શર્માનું અત્યાર સુધીનું ફોર્મ જોઈને લાગે છે કે તે આ ત્રણેય રેકોર્ડ સરળતાથી પોતાના નામે કરી શકે છે. ચાલો જાણીએ ક્યા છે આ મહાન રેકોર્ડ વિશે....
1- કેપ્ટન તરીકે 100મી આંતરરાષ્ટ્રીય મેચ
રોહિત શર્માએ 2017માં પ્રથમ વખત ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. જોકે તે સમયે તે નિયમિત કેપ્ટન નહોતો, પરંતુ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતનો નિયમિત કેપ્ટન બની ગયો હતો. તેણે કેપ્ટન તરીકે ભારત માટે 99 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય કેપ્ટન તરીકે પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
2- 18,000 આંતરરાષ્ટ્રીય રનોથી માત્ર 47 રન દુર
રોહિત શર્માએ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી 17953 રન બનાવ્યા છે. હવે તેને 18,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવા માટે માત્ર 47 રનની જરૂર છે. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામે 47 રન બનાવીને 18,000 રન સરળતાથી પૂરા કરી શકે છે. રોહિત શર્મા 18,000 આંતરરાષ્ટ્રીય રનોને પાર કરનાર પાંચમો ભારતીય ખેલાડી બનશે. રોહિત પહેલા ભારતીય બેટ્સમેનોમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી આ આંકડો પાર કરી ચૂક્યા છે.
3- વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા
વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી રોહિત શર્માએ 17 સિક્સર ફટકારી છે, જેની સાથે તેણે ટૂર્નામેન્ટમાં 40 સિક્સર પૂરી કરી છે. આ યાદીમાં ક્રિસ ગેલ 49 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામે ગેઈલને પાછળ છોડી શકે છે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આવી હશે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા/સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.