(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI: વિરાટે સદી ફટકારતા ક્રિકેટનો ભગવાન સચિન થયો આફરીન,સોશિયલ મીડિયા પર કરી આ પોસ્ટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.
Sachin Tendulkar On Virat Kohli: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની આ 29મી સદી છે. વિરાટ કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વિદેશી ધરતી પર ટેસ્ટ મેચોમાં સદીનો દુકાળ ખતમ કર્યો. વિરાટ કોહલી લાંબા સમય સુધી વિદેશી ધરતી પર ટેસ્ટ મેચોમાં સદીનો આંકડો પાર કરી શક્યો ન હતો, પરંતુ આ મેચમાં ચાહકોની રાહનો અંત આવ્યો.
સચિન તેંડુલકરે વિરાટ કોહલી માટે એક સ્ટોરી પોસ્ટ કરી
વિરાટ કોહલી સદી બાદ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર ચાહકો સતત તેમના ફેવરિટ ક્રિકેટરની પ્રશંસા કરી રહ્યા છે. જો કે હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે વિરાટ કોહલીની સદીના વખાણ કર્યા છે. સચિન તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. આ સ્ટોરીમાં વિરાટ કોહલી જોવા મળે છે. આ સિવાય સચિન તેંડુલકરે કેપ્શનમાં લખ્યું છે કે 'વધુ એક દિવસ, વધુ એક સદી'. સચિન તેંડુલકરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
કોહલીએ 500મી મેચમાં સદી ફટકારી અનેક રેકોર્ડ તોડ્યા
કોહલીએ 206 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી છે. કોહલીએ તેની મદદથી એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. હવે તે સચિન તેંડુલકરથી માત્ર એક સદી પાછળ છે. કોહલીએ વિદેશી ધરતી પર 28 સદી ફટકારી છે. જ્યારે સચિને 29 સદી ફટકારી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલીએ એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે. આ મામલે તે સુનીલ ગાવસ્કરની પાછળ છે. ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 13 સદી ફટકારી છે. કોહલીએ 12 સદી ફટકારી છે. જ્યારે કાલિસે પણ 12 સદી ફટકારી છે. ડી વિલિયર્સે 11 સદી ફટકારી છે.
વિરાટ કોહલી કરિયરની 500મી ઇન્ટરનેશનલ મેચમાં ટ્રિપલ ડિજિટ સ્કોર સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ કોઈ પ્લેયર પોતાની 500મી મેચમાં 50 રન પણ બનાવી શક્યો નહોતો.
લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી
વિરાટ કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ તેણે 16 ડિસેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થમાં વિદેશી ધરતી પર તેની છેલ્લી ટેસ્ટ સદી પૂરી કરી હતી. હવે 1677 દિવસ અને 31 ઇનિંગ્સ બાદ તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. અગાઉ તેણે નોર્થસાઉન્ડ (200) અને રાજકોટ ટેસ્ટ (139)માં સદી ફટકારી હતી.