(Source: ECI/ABP News/ABP Majha)
SA vs NED: સાઉથ આફ્રિકા સતત ત્રીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે, શું અપસેટ સર્જી શકશે નેધરલેન્ડ?
SA vs NED Match Report: એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ શકે છે
SA vs NED Match Report: આજે (17 ઓક્ટોબર) વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ ધર્મશાલામાં રમાશે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં હળવો વરસાદ પડી રહ્યો છે. આજનું હવામાન પણ આવું જ રહેવાનું છે. ધર્મશાલામાં મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ શકે છે. સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે નેધરલેન્ડની ટીમ પણ અપસેટ સર્જી શકે છે.
સાઉથ આફ્રિકાએ દિલ્હીમાં રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે 428 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યા બાદ 102 રનથી જીત મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાને લખનઉમાં હાર આપી હતી. દક્ષિણ આફ્રિકાએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ટોપ ઓર્ડર બેટ્સમેન રાસી વાન ડેર ડ્યુસેન અને એડન માર્કરામે પ્રભાવિત કર્યા છે. ત્રણેયએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી જ્યારે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
નેધરલેન્ડે ટી-20 વર્લ્ડ કપ 2009માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો. સ્કોટ એડવર્ડ્સની કેપ્ટનશીપ હેઠળની ટીમ આ જીતમાંથી પ્રેરણા લેવા માંગે છે પરંતુ ટી-20 અને વન-ડે ક્રિકેટમાં ઘણો તફાવત છે.
આ મેદાન બોલરો અને બેટ્સમેનોને સમાન રીતે મદદ કરે છે. અહીંની પિચ માત્ર સ્પિન બોલરોને જ મદદ કરતી નથી પણ ઝડપી બોલરોને મૂવમેન્ટ પણ પૂરી પાડે છે. બાઉન્ડ્રી નાની હોવાને કારણે બેટ્સમેનોએ પણ ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.
બંને ટીમોમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. દક્ષિણ આફ્રિકા તબરેઝ શમ્સીના સ્થાને ગેરાલ્ડ કોએત્ઝીને તક આપી શકે છે. બીજી તરફ લોગાન વાન બીક નેધરલેન્ડની ટીમમાં વાપસી કરી શકે છે. લોગાન ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો નહોતો.
બંન્ને ટીમોને સંભવિત પ્લેઇંગ-11
દક્ષિણ આફ્રિકા
ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, માર્કો યાન્સિન, કગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી/ગેરાલ્ડ કોએત્ઝી.
નેધરલેન્ડ્સ
વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડ, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોએલ્ફ વાન ડેર મર્વ, લોગાન વેન બીક/રેયાન ક્લાઈન, આર્યન દત્ત, પોલ વાન મીકરન.