સાઉથ આફ્રિકાના આ બોલરે ઈનિંગમાં 10 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ ? ભારતનો ક્યો મહાન બોલર પાકિસ્તાન સામે કરી ચૂક્યો છે આ પરાક્રમ ?
સાઉથ વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ્સ તરફથી રમતાં 24 વર્ષના સ્લો લેફર્ટ આર્મર વ્હાઈટહેડે 12.1 ઓવરમાં માત્ર 36 રન આપીને હરિફ ટીમના તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા હતા
જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના યુવા સ્પિનરે એક ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો છે. સાઉથ વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ્સ તરફથી રમતાં શેન વ્હાઈટહેડે હરીફ ટીમના તમામ બેટ્સમેનને આઉટ કરીને તમામ 10 વિકેટ ઝડપી છે. વ્હાઈટહેટે 115 વર્ષના ઘરઆંગણાના ક્રિકેટના ઈતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. સાઉથ વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ્સ તરફથી રમતાં વ્હાઈટહેડે મચાવેલા તરખાટને પગલે ઈસ્ટર્ન સ્ટ્રોમ ટીમનો કારમો પરાજય થયો હતો. વ્હાઈટહેડ 2016ના અંડર-19 વર્લ્ડ કપમા પણ રમી ચૂક્યો છે.
સાઉથ વેસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ્સ તરફથી રમતાં 24 વર્ષના સ્લો લેફર્ટ આર્મર વ્હાઈટહેડે 12.1 ઓવરમાં માત્ર 36 રન આપીને હરિફ ટીમના તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેના કારણે ઈસ્ટર્ન સ્ટ્રોમ ટીમ માત્ર ૬૫ રનમાં જ ખખડી ગઈ હતી. વ્હાઈટહેડે બે બેટ્સમેનને ક્લિન બોલ્ડ કર્યા હતા, ત્રણ બેટ્સમેન એલબીડબલ્યુ થયા હતા અને ચાર કેચ આઉટ થયા હતા. એક બેટ્સમેનને કોટ એન્ડ બોલ્ડ પણ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઈનિંગમાં 10 વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના જીમ લેકર અને ભારતના અનિલ કુમ્બલેના નામે છે. લેકરે 1956માં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની માંચેસ્ટર ટેસ્ટમાં 51.2 ઓવરમાં 53 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. કુમ્બલેએ 1999ની દિલ્હી ટેસ્ટમાં પાકિસ્તાન સામે 26.3 ઓવરમાં 74 રન આપીને 10 વિકેટ લીધી હતી.
વ્હાઈટહેડે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે મેચમાં તેણે 100 રનમાં 15 વિકેટ ઝડપી છે. ઓલરાઉન્ડર ક્રિકેટર વ્હાઈટહેડે બંને ઈનિંગમાં અનુક્રમે 66 અને 49 રન કર્યા હતા. પ્રથમ ઈનિંગના અંતે ઈસ્ટર્ન સ્ટ્રોમે આઠ રનથી સરસાઈ મેળવી હતી. 25.1 ઓવરમાં માત્ર 65 રનમાં ખખડી જતાં હારી ગયા હતા. સાઉથ આફ્રિકાના ઘરઆંગણાના ક્રિકેટમાં એક જ બોલરે હરિફ ટીમની તમામ 10 વિકેટ ઝડપી હોય તેવી ઘટના 115 વર્ષ પછી નોંધાઈ હતી. અગાઉ 1906માં ઈસ્ટર્ન પ્રોવિન્સના બેર્ટ વોગ્લૅરે ગ્રીક્યુલેન્ડ સામે માત્ર 26 રનમાં 10 વિકેટ ઝડપી હતી.