PAK vs SL: શ્રીલંકા બન્યું એશિયાનું નવું ચેમ્પિયન, 8 વર્ષ બાદ જીત્યું ટાઈટલ, પાક.ને 23 રનથી હરાવ્યું
શ્રીલંકાએ પહેલા રમતા 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાએ આઠ વર્ષ બાદ એશિયા કપનો ખિતાબ જીત્યો છે.
Sri Lanka vs Pakistan Final: દુબઈમાં રમાયેલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પહેલા રમતા 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાએ આઠ વર્ષ બાદ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનું ટાઈટલ જીત્યું છે. આ પહેલાં શ્રીલંકાએ વર્ષ 1986, 1997 2004, 2008, 2014માં પણ એશિયા કપ જીત્યો હતો.
વનિન્દુ હસરંગા અને ભાનુકા રાજપક્ષે શ્રીલંકાની આ ઝળહળતી જીતના હીરો હતા. હસરંગાએ બોલ અને બેટ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. હસરંગાએ પહેલાં 21 બોલમાં 36 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી અને પછી બોલીંગમાં પણ પોતાનો કમાલ બતાવતાં મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ રાજપક્ષેએ 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ યુવા ઝડપી બોલર પ્રમોદ મધુશને પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 34 રનમાં 4 વિકેટ લીધી હતી.
આ દરમિયાન હસરંગાએ ફેંકેલી 17મી ઓવરમાં મેચની બાજી પલટાઈ ગઈ હતી. 17મી ઓવરમાં હસરંગાએ પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને 55 રન પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ આસિફ અલીને 0 રન પર અને ખુશદીલ શાહને 2 રન પર આઉટ કર્યો હતો. આમ હસરંગાએ શ્રીલંકાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
The 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆 moment 🇱🇰#AsiaCup2022 pic.twitter.com/TnjcUBlo34
— ICC (@ICC) September 11, 2022
હસરાંગા અને રાજપક્ષેએ ટીમ માટે શાનદાર બેટિંગ કરીઃ
એશિયા કપની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. મેચમાં શ્રીલંકા તરફથી ઓપનિંગ કરવા આવેલા કુશલ મેન્ડિસને પહેલી જ ઓવરમાં નસીમ શાહે બોલ્ડ કર્યો હતો. બીજી તરફ શ્રીલંકાને બીજો ફટકો 23 રનના સ્કોર પર પથુમ નિસાંકાના રૂપમાં લાગ્યો હતો, તે હરિસ રઉફના બોલ પર બાબર આઝમના હાથે કેચ આઉટ થયો હતો. તે જ સમયે, ગુણાતીલકા પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તે માત્ર 1 રન બનાવીને હરિસ રઉફનો બીજો શિકાર બન્યો હતો. તે જ સમયે, તેના પછી બેટિંગ કરવા ઉતરેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા માત્ર 2 રન બનાવી શક્યા અને શાદાબ ખાનના હાથે બોલ્ડ થયો હતો.
શ્રીલંકાની અડધી ટીમ 60 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ત્યારબાદ શ્રીલંકાની ઇનિંગ્સને ભાનુકા રાજપક્ષે અને વનિન્દુ હસરંગાએ સંભાળી અને ટીમનો સ્કોર 100ને પાર કરી ગયો. તે જ સમયે, 21 બોલમાં 1 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા બાદ હસરંગાને હરિસ રૌફના હાથે આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષેએ શાનદાર બેટિંગ કરી અને 45 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 રનની શાનદાર અડધી સદી ફટકારી. રાજપક્ષેની શાનદાર બેટિંગના કારણે શ્રીલંકાએ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો.