T20 World Cup 2022: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, વિજેતા ટીમને કેટલું મળશે ઇનામ ?
ICC T20 વર્લ્ડ કપ 2022 આજથી (16 ઓક્ટોબર) શરૂ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે
ICC T20 વર્લ્ડ કપ 2022 આજથી (16 ઓક્ટોબર) શરૂ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ 16 ટીમો માંથી 8 ટીમ સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને પોતાનું સ્થાન નક્કી કરશે. આ મેગા ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાઈ રહી છે, જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે. ત્યાર પછી સુપર-12 તબક્કામાં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે, જેમાં તેમના ગ્રૂપમાં ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.
ટીમ ઈન્ડિયાની પહેલી મેચ PAK સાથે
ભારતીય ટીમની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે છે. આ પછી 27 ઓક્ટોબરે તેનો મુકાબલો ગ્રુપ-એની રનર-અપ ટીમ સાથે થશે. ત્યારબાદ રોહિત બ્રિગેડ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સુપર-12 તબક્કાની છેલ્લી મેચ 6 નવેમ્બરે ગ્રુપ-બીની વિજેતા ટીમ સામે ટકરાશે.
વિજેતા ટીમને કેટલી રકમ મળશે?
ICC અનુસાર T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 1.6 મિલિયન ડોલર અને રનર અપ ટીમને 8 લાખ મિલિયન ડોલર મળશે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી બાકીની બે ટીમોને 4-4 લાખ ડોલર આપવામાં આવશે. T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે, જે તમામ 16 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવામાં આવશે. સુપર-12 સ્ટેજમાં કુલ 12 ટીમો રમશે જેમાંથી 4 ટીમ સેમિ ફાઈનલ સ્ટેજમાં જશે. જે 8 ટીમો આ સ્ટેજમાંથી બહાર થઈ જશે તેમને પણ ICC દ્વારા ઈનામ આપવામાં આવશે. આ ટીમોને 70 હજાર ડોલર આપવામાં આવશે. ગત T20 વર્લ્ડ કપમાં આ રકમ 40 હજાર ડોલર હતી. પ્રથમ રાઉન્ડમાંથી બહાર થનારી ચાર ટીમોને 40 હજાર ડોલર આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જીતવા પર 40 હજાર ડોલરની રકમ પણ મળશે. આ રાઉન્ડમાં કુલ 12 મેચો રમાશે, જે દરમિયાન ICC દ્વારા કુલ 4.8 મિલિયન ડોલરનું વિતરણ કરવામાં આવશે.
આ ચાર ટીમો જીતની પ્રબળ દાવેદાર છે
T20 વર્લ્ડ કપની આ 8મી સિઝન છે. ભારતીય ટીમે 2007માં પ્રથમ સિઝનનું ટાઇટલ જીત્યુ હતું. અત્યાર સુધી, વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે જેણે બે વખત (2012, 2016) ટાઇટલ જીત્યું છે. આ સિવાય પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ 1-1 વખત ટાઈટલ જીત્યું છે. વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સિવાય ભારત, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવે છે.