(Source: ECI/ABP News/ABP Majha)
T20 world cup માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો શમી, બુમરાહના સ્થાને પસંદગીની પુરી શક્યતા
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને જોઈન કરવા માટે હવે ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારતથી રવાના થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં શમીએ તેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
Mohammed Shami off to Australia: ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 2022નો T20 વર્લ્ડ કપ શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત આ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને જોઈન કરવા માટે હવે ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારતથી રવાના થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં શમીએ તેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. શમીની આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.
શમી, સિરાજ અને શાર્દુલને તક મળશે
જસપ્રીત બુમરાહના સ્થાને નવો ખેલાડી પસંદ કરવા માટે ભારત પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે અને તેથી ટીમ મેનેજમેન્ટ આ ત્રણ ઝડપી બોલરોની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માંગે છે. ઑસ્ટ્રેલિયામાં યોગ્ય સમયે પહોંચવાથી મોહમ્મદ શમીને ત્યાંની પરિસ્થિતિઓને અનુરૂપ થવામાં પણ મદદ મળશે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે રમવા માટે તૈયાર રહે.
શમી તેના અનુભવને કારણે ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં સૌથી આગળ છે પરંતુ સિરાજે દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ હતો. સિરાજે ત્રણ મેચમાં 5 વિકેટ લીધી હતી. તો બીજી તરફ શાર્દુલ ઠાકુર પણ તેની ઓલરાઉન્ડર ખેલાડીની ક્ષમતાના કારણે ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદાર છે પરંતુ તે સ્ટેન્ડબાય લિસ્ટમાં રહે તેવી શક્યતા છે.
દીપક ચહર વર્લ્ડ કપમાંથી બહાર
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સ્ટેન્ડ બાયમાં રહેલા દીપક ચહર પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. તેને સ્ટેન્ડ બાય લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, 'દીપકને ફિટ થવામાં થોડો સમય લાગશે. તેની પીઠનો દુખાવો ફરી સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે દીપક ચહર દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝનો ભાગ હતો. આ પછી તે કમરના દુખાવાના કારણે વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર લઈ રહ્યો છે.
View this post on Instagram