2021 T20 World Cup: શું ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થશે અફઘાનિસ્તાન? તાલિબાની ઝંડાને લઇને ICC લઇ શકે છે નિર્ણય
પાકિસ્તાન સિવાય અન્ય દેશ અફઘાનિસ્તાનના બદલાયેલા ધ્વજનો સ્વીકાર કરે કે નહી તેને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી.
2021 T20 World Cup: તાલિબાન સત્તા પર આવ્યા બાદ આગામી મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ભાગીદારીને લઇને ઉત્સુકતા વિષય બનતી રહી છે. કારણ કે દેશમાં ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓએ તાલિબાને હટાવી દીધા અને મહિલાઓને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
નોંધનીય છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી નિર્દેશક હામિદ શિનવારીનું સ્થાન નસીબુલ્લાહ હક્કાનીએ લીધી છે. તાલિબાન આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના ધ્વજના બદલે તાલિબાની ધ્વજનો ઉપયોગ કરવા પર દબાણ કરી શકે છે.
પાકિસ્તાન સિવાય અન્ય દેશ અફઘાનિસ્તાનના બદલાયેલા ધ્વજનો સ્વીકાર કરે કે નહી તેને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. નોંધનીય છે કે પાકિસ્તાને તાલિબાન સરકારને સમર્થન આપ્યું છે અને સમર્થકોમાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ સામેલ છે.
આઇસીસીના એક બોર્ડના સભ્યએ કહ્યું કે હાલમાં કાંઇ પણ કહેવું શક્ય નથી. અત્યાર સુધી તાલિબાનના ધ્વજનો ઉપયોગ કરવાનો કોઇ અનુરોધ કરવામાં આવ્યો નથી. પરંતુ જ્યાં સુધી સંચાલનનો વિષય છે તો આઇસીસી બોર્ડે આ વિષય પર નિર્ણય કરવાની જરૂર છે. તમામ લોકો અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે જો આઇસીસી એક ક્રિકેટ બોર્ડને પ્રતિબંધિત કરી દે છે તો તે સુનિશ્વિત કરે છે કે ખેલાડીઓ પર તેની કોઇ અસર ના થાય. રાશિદ ખાન હોય કે પછી મોહમ્મદ નબી હોય તેઓની કોઇ ભૂલ નથી.
આઇસીસીના સભ્ય દેશોએ મહિલાઓના ક્રિકેટ માટે સંતોષજનક સંરચના તૈયાર કરવી હોય છે અને ઘણા ખેલાડીઓનો પુલ તૈયાર કરવાનો હોય છે. તાલિબાને મહિલાઓના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે. જેના કારણે અફઘાનિસ્તાને અગાઉથી જ જરૂરી માપદંડોનું ગંભીર ઉલ્લંઘન કરી દીધું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ફેરફાર તાલિબાનના નવા ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઇ અનસ હક્કાનીના કહેવા પર કરવામાં આવ્યો છે.