NZ vs WI: ન્યૂઝિલેન્ડે જીતી વન-ડે સીરિઝ, વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી વન-ડેમાં પાંચ વિકેટથી મેળવી જીત
ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચની વન-ડે સીરિઝમાં હરાવ્યું છે. ન્યૂઝિલેન્ડની ટીમે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 5 વિકેટે જીતી લીધી હતી
WI vs NZ 3rd ODI: ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચની વન-ડે સીરિઝમાં હરાવ્યું છે. ન્યૂઝિલેન્ડની ટીમે સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 5 વિકેટે જીતી લીધી હતી. કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે શાનદાર બેટિંગ કરી ન્યૂઝિલેન્ડને જીતવા માટે 302 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ આ લક્ષ્યને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
"We set a target of getting to that 40-over mark where we needed a run a ball"
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2022
Stand-in captain Tom Latham was the Player of the Match as New Zealand chased down 302 for a 2-1 ODI series win over West Indies #WIvNZ
વેસ્ટ ઈન્ડિઝે વનડે શ્રેણીની પ્રથમ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ પછી ન્યૂઝીલેન્ડે બીજી વનડેમાં વાપસી કરી ડકવર્થ લુઈસ નિયમની મદદથી 50 રનથી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં પણ કિવી ટીમનો વિજય થયો હતો. કિવી ટીમે 302 રનનો ટાર્ગેટ 17 બોલ અને 5 વિકેટ બાકી રાખીને જીતી લીધો હતો.
ટોમ લાથમને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 75 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મિશેલ સેન્ટનરને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ સિરીઝમાં 51 રન બનાવ્યા અને 4 વિકેટ પણ લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ તરફથી શાઈ હોપ (51) અને કાયલ મેયર્સ (105)ની જોડીએ મજબૂત શરૂઆત અપાવી હતી. આ ઓપનિંગ જોડી વચ્ચે પ્રથમ વિકેટ માટે 173 રનની ભાગીદારી થઈ હતી. શાઈ હોપના આઉટ થયા બાદ એક પછી એક વિકેટો પડી રહી હતી, પરંતુ કેપ્ટન નિકોલસ પૂરન એક છેડે રહ્યો હતો. તેણે 55 બોલમાં 91 રન ફટકારીને પોતાની ટીમને 300ની નજીક પહોંચાડી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 301 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી
302 રનના લક્ષ્યાંકના જવાબમાં કિવિ ટીમે 20 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ માર્ટિન ગુપ્ટિલ (57), ડેવોન કોનવે (56), ટોમ લાથમ (69) અને ડેરીલ મિશેલ (63)ની અડધી સદીના કારણે ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો. છેલ્લે જીમી નિશમે 11 બોલમાં 34 રન ફટકારીને કિવી ટીમને આસાન વિજય અપાવ્યો હતો.