World Cup 2023 IND vs PAK: વન-ડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કારણ ?
વર્લ્ડ કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે
IND Vs PAK Match In World Cup 2023: વર્લ્ડ કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શિડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ નવરાત્રીના પ્રથમ દિવસે યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીએ BCCI પાસે કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ મુજબ, નવરાત્રીના કારણે સુરક્ષા એજન્સીઓએ BCCI પાસે ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર કરવાની માંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈ પાસે ફેરફારની માંગ કરી છે.
નામ ન આપવાની શરતે બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે "અમે અમારી પાસે જે વિકલ્પો છે તેના પર વિચાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમને સુરક્ષા એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચમાં હજારો ચાહકો અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. નવરાત્રીના કારણે આને ટાળવું જોઈએ.
નોંધનીય છે કે કાર્યક્રમની જાહેરાત બાદ અમદાવાદમાં હોટલોનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. અમદાવાદમાં હોટેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ સિવાય ફ્લાઈટના ભાડામાં પણ વધારો થવાની આશા છે. આવી સ્થિતિમાં, જો ભારત-પાકિસ્તાન મેચની તારીખોમાં કોઈ ફેરફાર થાય છે, તો મોટા પાયે હોટેલ બુકિંગ રદ થઈ શકે છે.
27મી જુલાઈના રોજ બેઠક યોજાશે
મંગળવારે રાત્રે BCCI સેક્રેટરી જય શાહે દિલ્હીમાં 27 જુલાઈએ યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે વર્લ્ડ કપ મેચોની યજમાની કરનાર એસોસિયેશનને પત્ર લખ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે બોર્ડ અમદાવાદમાં સુરક્ષાની ચિંતાઓ વિશે સભ્યોને જાણ કરી શકે છે અને મેચ માટે નવી તારીખ નક્કી કરી શકે છે.
તમામ એસોસિએશનોને લખવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે, “મને લાગે છે કે તે તમામ સંબંધિત લોકોના હિતમાં રહેશે કે આપણે બેઠક કરીએ અને જે મુદ્દા પર જરૂર હોય તેના ચર્ચા કરીએ અને તે અંગે નિર્ણય લઇએ. તમને વિશ્વ કપની યજમાની કરનારા અસોસિએશનોની બેઠકમાં હાજરી આપવા વિનંતી કરવામાં આવે છે.