LSG vs RCB: હેઝલવુડની ઘાતક બોલિંગ સામે લખનઉની હાર, બેંગ્લોરને મળી 5મી જીત, વાંચો મેચની હાઈલાઈટ્સ
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. આરસીબીની આ પાંચમી જીત છે.
LSG vs RCB, Match Highlights: મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. આરસીબીની આ પાંચમી જીત છે. આ સાથે જ લખનૌની આ ત્રીજી હાર છે.
બેંગ્લોરની શરુઆત ખરાબ રહી હતીઃ
આ મેચમાં લખનઉએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરુઆત ખરાબ રહી હતી. બેંગ્લોરના ઓપનર બેટ્સમેન સાવ સસ્તામાં જ આઉટ થઈ ગયા હતા. જેમાં અનુજ રાવત 4 રન, વિરાટ કોહલી 0 રન, મેક્સવેલ 23 રન, સુયશ પ્રભુદેસાઈ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જો કે, બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે બાજી સંભાળી હતી. RCB માટે આ મેચમાં ફાફ ડુપ્લેસિસે 64 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ડુપ્લેસિસે 11 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. જો કે, આ શાનદાર ઈનિંગમાં તે સદી ચુકી ગયો હતો.
હેઝલવુડની ઘાતક બોલિંગઃ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાફ ડુ પ્લેસિસની 96 રનની ઇનિંગને કારણે 20 ઓવરમાં 6 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ નિર્ધારિત ઓવરમાં 163 રન જ બનાવી શકી હતી. RCBની આ જીતનો હીરો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હતો. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. હેઝલવુડે ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, કૃણાલ પંડ્યા અને આયુષ બદોની જેવા મહત્વના બેટ્સમેનની વિકેટ ઝડપીને તેમને પેવેલિયનમાં મોકલ્યા હતા.
લખનઉના સુપર જાયન્ટ્સના બેટ્સમેનની વાત કરીએ તો ક્વિંટન ડિ કોક માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ કેએલ રાહુલે 30 રન, મનીષ પાંડે 6 રન, દિપક હુડ્ડા 13, આયુષ બડોની 13 રન, સ્ટોઈનીસ 24 રન, જેસન હોલ્ડર 16 રન અને કૃણાલ પંડ્યાએ ટીમમાં સૌથી વધુ 28 બોલમાં 42 રન બનાવ્યા હતા. આમ લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 163 રન બનાવી શક્યું હતું.