GT vs PBKS: પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટથી હરાવ્યું, શિખર ધવને અણનમ અડધી સદી ફટકારી
આજે રમાયેલી IPL 2022ની 48મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું હતું. શિખર ધવને આજની મેચમાં પંજાબ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું.
Gujarat Titans vs Punjab Kings IPL 2022: આજે રમાયેલી IPL 2022ની 48મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું હતું. શિખર ધવને આજની મેચમાં પંજાબ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અડધી સદી ફટકારી હતી. જ્યારે ભાનુકા રાપક્ષેએ 40 રનની તોફાની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસને એક-એક વિકેટ લીધી હતી. ગુજરાતના બેટ્સમેન સાઈ સુદર્શને ટીમ માટે અડધી સદી ફટકારી હતી.
પંજાબ કિંગ્સની ટીમ આ મેચમાં ટોસ હારી ગઈ હતી. પરંતુ મેચ પર કબજો જમાવ્યો હતો. પંજાબ તરફથી જોની બેરસ્ટો અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ બેયરસ્ટો લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને એક રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. આ સાથે જ ભાનુકા રાજપક્ષેએ 40 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 28 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
ધવને 53 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. તેણે 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. લિવીંગ સ્ટોને શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન સાઈ સુદર્શને ટીમ માટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 50 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેની અણનમ ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ 21 રનનું યોગદાન આપ્યું હતું. સાહાએ 17 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાયના બીજા બેટ્સમેન કંઈ ખાસ રન નહોતા બનાવી શક્યા.
પંજાબ કિંગ્સ તરફથી કાગિસો રબાડાએ 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ, ઋષિ ધવન અને લિવિંગસ્ટોને એક-એક વિકેટ લીધી હતી. રિશીએ 4 ઓવરમાં 26 રન આપ્યા હતા.