સતત આઠ IPL મેચથી અજેય છે કેપ્ટન શ્રેયસ ઐય્યર, બનાવ્યો આ રેકોર્ડ
IPL 2025માં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર એક અલગ જ અંદાજમાં જોવા મળે છે

IPL 2025માં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. કેપ્ટનશીપથી લઈને બેટિંગમા તે ધૂમ મચાવી રહ્યો છે. સીઝનની પહેલી બે મેચમાં પંજાબ કિંગ્સે એકતરફી જીત મેળવી છે. ગુજરાત ટાઇટન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યા બાદ તેણે લખનઉ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું છે. આ બંને મેચોમાં તેની કેપ્ટનશીપ અને બેટિંગ જબરદસ્ત રહી છે. પહેલી મેચમાં તેણે 97 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તેણે અણનમ 52 રન બનાવ્યા હતા. આ મજબૂત પ્રદર્શનના આધારે શ્રેયસ કેપ્ટન તરીકે IPLમાં સતત 8 મેચ જીતી ચૂક્યો છે. તેની સાથે તેમણે એક મહાન સિદ્ધિ પણ હાંસલ કરી છે.
Statement victory ✅
— IndianPremierLeague (@IPL) April 1, 2025
Skipper's second 5⃣0⃣ this season ✅
Consecutive wins ✅
Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4
IPLમાં ઐય્યરની સિદ્ધિ
વાસ્તવમાં શ્રેયસ ઐય્યરે ગયા સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જબરદસ્ત કેપ્ટનશીપ કરી હતી. ઐયરે IPL 2024માં ફાઇનલ અને ક્વોલિફાયર સહિત સતત 6 મેચ જીતી હતી. આ સીઝનમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ છે. તે શાનદાર ફોર્મમાં છે અને શાનદાર કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ માટે સતત 2 મેચ જીતી છે. આ રીતે IPLમાં કેપ્ટન તરીકે તે સતત 8 મેચોથી અજેય છે. ઐય્યરને કોઈ હરાવી શક્યું નથી.
શ્રેયસની કેપ્ટનશીપને કારણે જ પંજાબ કિંગ્સે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. IPLના ઇતિહાસમાં આ ફક્ત ચોથી વખત છે જ્યારે પંજાબની ટીમે સીઝનની શરૂઆત પ્રથમ બે મેચમાં બે જીત સાથે કરી છે. અગાઉ આ સિદ્ધિ 2023 સીઝનમાં શિખર ધવનની કેપ્ટનશીપમાં હાંસલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પંજાબે 2014માં જ્યોર્જ બેઇલીની કેપ્ટનશીપ હેઠળ આવી જ શરૂઆત કરી હતી. પછી 2017માં ગ્લેન મેક્સવેલની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ બે મેચ જીતી હતી.
IPL 2025માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી
બીજી તરફ શ્રેયસ આ સીઝનમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે પહેલી મેચમાં 97 રન અને બીજી મેચમાં 52 રન બનાવ્યા. આ રીતે તેણે 2 મેચમાં 206ના સ્ટ્રાઇક રેટથી 149 રન બનાવ્યા છે અને IPL 2025માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તે વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. તેનાથી આગળ ફક્ત નિકોલસ પૂરન છે, જેણે 3 મેચમાં 189 રન બનાવ્યા છે.




















