LSG vs SRH: નિકોલસ પૂરને તોફાની બેટિંગથી IPLમાં રચ્યો ઇતિહાસ, ટ્રેવિસ હેડને પાછળ છોડ્યો
IPL 2025: માત્ર ૨૬ બોલમાં ૭૦ રનની ઇનિંગ રમીને સૌથી વધુ વખત ૨૦ બોલમાં ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો, ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી.

Nicholas Pooran IPL fastest 50: લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેન નિકોલસ પૂરને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુરુવારે રમાયેલી મેચમાં ધમાકેદાર ઇનિંગ રમીને IPLના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. પુરને માત્ર ૨૬ બોલમાં ૭૦ રન બનાવ્યા હતા, જેમાં ૬ છગ્ગા અને એટલા જ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગની મદદથી લખનૌએ હૈદરાબાદને ૫ વિકેટે હરાવ્યું હતું, પરંતુ તે પહેલા પુરને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરતી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર ૪ રનના સ્કોર પર એડન માર્કરામની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા નિકોલસ પુરને મિચેલ માર્શ સાથે મળીને ૧૧૬ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પુરને આ દરમિયાન માત્ર ૧૮ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને IPLમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
નિકોલસ પુરને પોતાની આ ઇનિંગમાં ૨૬ બોલમાં ૭૦ રન બનાવ્યા હતા અને તે ૯મી ઓવરના ચોથા બોલ પર પેટ કમિન્સ દ્વારા આઉટ થયો હતો. આ પહેલા તેણે IPLમાં સૌથી વધુ વખત ૨૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ ચોથી વખત છે જ્યારે પુરને IPLમાં ૨૦ બોલમાં કે તેથી ઓછા બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હોય. આ સાથે જ તેણે આ યાદીમાં ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે, જેણે ત્રણ વખત આ સિદ્ધિ મેળવી છે. જેક ફ્રેઝર-મેકગર્કે પણ ત્રણ વખત આવું કર્યું છે.
Pooran Power 💥
— IndianPremierLeague (@IPL) March 27, 2025
Nicholas Pooran smashes a 5⃣0⃣ off just EIGHTEEN deliveries 😮
How many sixes will he end up with tonight?
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/WMSJcBM1wt
પુરનની આ શાનદાર ઇનિંગ બાદ ઓરેન્જ કેપ પણ તેના સુધી પહોંચી ગઈ છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં પણ ૭૫ રન બનાવ્યા હતા. આમ, બે મેચમાં તેના કુલ ૧૪૫ રન થયા છે અને તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. નિકોલસ પુરન ૨૦૧૯થી IPLમાં રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં ૭૮ મેચમાં ૧૦ અડધી સદીની મદદથી ૧૮૪૪ રન બનાવ્યા છે.
ગુરુવારે રમાયેલી મેચની વાત કરીએ તો, લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૫ વિકેટે પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ૧૯૦ રન બનાવ્યા હતા, જેના જવાબમાં લખનૌએ ૧૬.૫ ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સિઝનમાં લખનૌની આ પ્રથમ જીત છે અને તેમાં નિકોલસ પુરનની તોફાની ઇનિંગનો મહત્વનો ફાળો રહ્યો હતો.




















