Hun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ લીડર રાહુલ ગાંધી શાકભાજીની કિંમત જાણવા માટે શાકમાર્કેટ પહોંચ્યા. અહીં તેમણે દુકાનદારો પાસેથી લસણ, ટામેટાં અને સલગમ સહિત અનેક શાકભાજીની કિંમત જાણી. દુકાનદારોએ તેમને જણાવ્યું કે લસણ 400 રૂપિયા કિલો છે. શાકમાર્કેટની વિઝિટનો પોતાનો વીડિયો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે એક સમયે લસણ 40 રૂપિયાનું હતું અને હવે 400 રૂપિયાનું થઈ ગયું છે. વધતી મોંઘવારીએ મિડલ ક્લાસ વ્યક્તિની રસોઈનું બજેટ હલાવી દીધું છે અને સરકાર કુંભકર્ણની જેમ ઊંઘી રહી છે.
વીડિયોમાં રાહુલ ગાંધી મહિલાઓને પૂછે છે કે આજે તમે શું ખરીદી રહ્યાં છો? જેના જવાબમાં મહિલા કહે છે કે તે થોડાં ટામેટાં, થોડી ડુંગળી ખરીદી રહી છે. એક મહિલા શાકવાળાને પૂછે છે કે આ વખતે શાકભાજી આટલી મોંઘી કેમ છે. એકપણ શાકમાં ભાવ ઘટતા નથી. કંઈપણ 30-35 રૂપિયાનું નથી, બધું જ 40-50 રૂપિયાથી વધુનું જ છે. શાકવાળા ભાઈ કહે છે કે આ વખતે મોંઘવારી વધારે છે. આટલી મોંઘવારી પહેલાં ક્યારેય જોઈ નથી. રાહુલ ગાંધી શાકવાળા ભાઈને પૂછે છે કે, લસણ કેટલાનું છે? એ અંગે શાકવાળો જણાવે છે કે લસણની કિંમત 400 રૂપિયા કિલો છે.