Hun To Bolish : હું તો બોલીશ : નકલીનું દહન ક્યારે?
બોટાદ LCBએ નકલી રૉ અધિકારીને ઝડપી પાડ્યો. મહેશ ઈસામલીયા નામનો આરોપી પોતાને રૉ અધિકારી ગણાવીને નકલી ઓળખપત્ર બનાવીને લોકોને નોકરી આપવાની લાલચ આપતો. બાતમીના આધારે LCBની ટીમે વોચ ગોઠવી અને આરોપીની નાગલપર દરવાજા પાસેથી ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી અલગ અલગ અખબારોના ઓળખપત્રો પણ મળી આવ્યા. એટલું જ નહીં ડિફેન્સ એજન્સીના લોગો વાળું એક નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું. રૉ અધિકારીનું નકલી ઓળખપત્ર આરોપીએ બોટાદના ઓમ ગ્રાફિક્સમાં બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ તો પોલીસે નકલી રૉ અધિકારી મહેશ ઈસામલીયા અને ગ્રાફિક્સના માલિક અંકિત પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ જો કોઈ લોકો આરોપીથી છેતરાયા હોય તો બોટાદ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
સુરતનો ડુમસ વિસ્તાર જ્યાં 23 સપ્ટેમ્બરે નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં નકલી પોલીસે સીનસપાટા કર્યા. નવરાત્રિના ગરબા જોવા યુવરાજ રાઠોડ નામનો વ્યક્તિ નકલી PSI બની ગયો. અને ગરબા ગ્રાઉન્ડમાં ઘુસી ગયો. હાથમાં બંધ વ્હોકીટોકી સાથે આરોપી સાંસદની બાજુમાં જઈને બેસી ગયો. એટલું જ નહીં. પોલીસ બનીને અલગ અલગ ડોમમાં ફરતો પણ જોવા મળ્યો. જો કે આયોજકોને શંકા જતા અસલી પોલીસને બોલાવીને ખરાઈ કરાવતા નકલી પોલીસ યુવરાજ રાઠોડના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો. પોલીસે આરોપી યુવરાજ રાઠોડની ધરપકડ કરી. આરોપીના મોબાઈલમાંથી અનેક સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેની તસવીરો પણ મળી. આરોપી યુવરાજ રાઠોડ નકલી PSI બનીને બે દિવસથી ગરબામાં આવતો હતો. કાયદાના સકંજામાં આવ્યા બાદ આરોપી યુવરાજ રાઠોડે પોતાની ભુલનો સ્વીકાર કરીને માફી પણ માગી.





















