Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. જ્યાં દારૂની મહેફિલનો થયો પર્દાફાશ. થર્ટી ફર્સ્ટની રાત્રિએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવેકાનંદ બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર-14માં 6 વિદ્યાર્થીએ દારૂની મહેફિલ જમાવી હતી. એટલું જ નહીં. વિદ્યાર્થીઓએ દારૂનો પેગ બનાવી ચિયર્સની બૂમો પણ પાડી. જેથી રજિસ્ટ્રારે વોર્ડન ડૉ. ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદીને સાથે રાખી રેડ પાડી. જેમાં એક વિદ્યાર્થી તો પકડાયો. પરંતુ બાકીના 5 વિદ્યાર્થી ફરાર થઈ ગયા. ફરાર થનારા 5 પૈકી 4 વિદ્યાર્થી મુખ્ય ગેટથી જ ભાગી ગયા. જ્યારે એક વિદ્યાર્થી પહેલા માળેથી કૂદીને ફરાર થયો. હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલ, બાઈટિંગ, નોનવેજ, સિગારેટ અને ઈ-સિગારેટ સહિતનો જથ્થો મળી આવ્યો. દારૂની મહેફિલ માણનારા 6 પૈકી 2 યુવક યુનિવર્સિટી બહારના હતા, જ્યારે 4 વિદ્યાર્થી મનોજ તિવારી, નીરજ રાઠી, અભિન્ન કોમદ, ઈન્દ્રજિતનો પ્રવેશ રદ કરાયો છે. હોસ્ટેલમાં દારૂની મહેફિલને લઈ વોર્ડનને પણ મેમો અપાયો છે.
વીર નર્મદ યુનિવર્સિટીએ પોતાની આબરૂ બચાવવા પોલીસની જાણ બહાર જ ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો. જેમાં વિદ્યાર્થીએ દારૂ પીધેલો ન જણાયો. તો બીજી તરફ પોલીસનો રિપોર્ટ ઉલ્ટો આવ્યો. પોલીસે સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા વિદ્યાર્થીએ દારૂ પીધો હોવાનું સાબિત થયું. યુનિવર્સિટીએ કરાવેલો જીજીટી સામાન્ય રીતે દારૂની આદતવાળા દર્દીઓ, માનસિક વિભાગ મારફતે કરાવવામાં આવે છે. જ્યારે સિવિલમાં લવાતા દારૂના કેસના આરોપી માટે ટેસ્ટની મેથડ જૂદી હોય છે.