Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
બનાસકાંઠાના દિયોદરના ઓગડધામમાં આજે સમગ્ર ઠાકોર સમાજ એકઠો થયો હતો. સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ, જેમાં ગેનીબેન ઠાકોરે બંધારણના 16 નિયમોની અમલવારી કરવા સમાજને અપીલ કરી હતી. આ દરમિયાન સમસ્ત ઠાકોર સમાજના આગેવાનો એકમંચ પર જોવા મળ્યા હતા. ગેનીબેને ક્ષત્રિય ઠાકોર સમાજ માટે 16 નિયમોનુ નવુ બંધારણ જાહેર કર્યુ જેમાં કેટલાય કુરિવાજોને તિજાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે પણ સમાજને ટકોર કરતાં કહ્યું કે, નવા નિયમોથી સમાજની 50 ટકા સમસ્યા દુર થઇ જશે. નિયમો આપણે કડકાઇથી પાળવાના છે. સમાજે ખોટા ખર્ચમાંથી બહાર આવવાનું છે. અલ્પેશ ઠાકોરે મંચ પરથી સમાજને સંબોધન કરતાં જણાવ્યું કે, બંધારણની અમલવારી આપણે કરવી જ છે, સમાજે ખોટા ખર્ચમાંથી બહાર નીકળવું પડશે. ઠાકોર સમાજનું આ બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે. આજે ઓગડધામમાં એક મંચ પર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, અમૃતજી ઠાકોર અને બળદેવજી ઠાકોર સામેલ હતા.
આજે યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં 16 નિયમો બનાવાયા છે. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે આ પ્રસંગે સમગ્ર ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવા માટે ખોળો પાથરી દાન માંગ્યુ હતુ, જેમાં તમામ લોકોને 100-100 રૂપિયા આપવા અપીલ કરાઇ હતી. આ દરમિયાન સમાજના આગેવાનોમાં અલ્પેશ ઠાકોર, લવીંગજી ઠાકોર અને કેશાજી ઠાકોર સહિતનાઓએ 11-11 વિઘા જમીન દાનમાં આપીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
















