Gujarat's Shala Praveshotsav : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ
શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ" ના ઉમદા ધ્યેય સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દિવડા પીએમ સ્કૂલ ખાતેથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના 23માં ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરતું અભિયાન:
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003 થી શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ 2003 માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેટ 35% જેટલો હતો તે ઘટાડીને 0.85% એટલે કે 1% થી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.





















