Kutch Heavy Rain: ભારે વરસાદથી માંડવીમાં જળબંબાકાર, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો!
કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં આજે વરસેલા ધોધમાર વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર એક કલાકના ભારે વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો, જેમાં ખાસ કરીને આઝાદ ચોક, ભીડ અને લાકડા બજાર નો સમાવેશ થાય છે, ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, માંડવીમાં હજુ પણ પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને, લાકડા બજારમાં પાણીના નિકાલ માટેના નાળાનું કામ 80 ટકા જેટલું બાકી છે, જેના પરિણામે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. શહેરમાં અચાનક વરસેલા ભારે વરસાદથી વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. ચોમાસાના આગમન પહેલા જ આ પ્રકારની સ્થિતિ ઊભી થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બાકી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.





















